મુંબઈઃ સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત આગામી નવી હિન્દી ફિલ્મ ‘ગદર 2’ ફિલ્મને આ વર્ષની 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ કરાય એ પહેલાં તેનો વિવાદ થયો છે. હાલ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકોએ તેને પસંદ કર્યું છે.
આ ફિલ્મને ભારતીય લશ્કરે એનઓસી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના પર આધારિત કોઈ પણ ફિલ્મ બનાવતા પહેલાં સંરક્ષણ મંત્રાલયની સ્ક્રીનિંગ કમિટી તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું આવશ્યક હોય છે. તેની વગર ફિલ્મને પ્રદર્શિત કરી શકાતી નથી. એટલા માટે જ ‘ગદર 2’ના નિર્માતા અનિલ શર્માએ ભારતીય સેનાનાં જવાનો માટે આ ફિલ્મના વિશેષ શોનું આયોજન કર્યું હતું. ફિલ્મ જોયા પછી બધાએ ફિલ્મનાં વખાણ કર્યાં છે. સ્ક્રીનિંગ કમિટીનાં સભ્યોએ ફિલ્મ જોયા બાદ તેને થિયેટરોમાં રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં, આ ફિલ્મ સફળ થાય એવી શુભેચ્છા પણ આપી છે.
‘ગદર 2’ 2001માં આવેલી ‘ગદર’ ફિલ્મનો બીજો ભાગ છે. ‘ગદર’ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમય વખતે પાંગરેલી એક પ્રેમકથા પર આધારિત હતી. નવી ફિલ્મની વાર્તા 22 વર્ષ પહેલાંની ફિલ્મની પાર્શ્વભૂમિથી શરૂ થશે. નિર્માતાએ ‘ગદર 2’ માધ્યમથી તે વાર્તાને આગળ ધપાવી છે. નવી ફિલ્મ બ્રિટિશ સૈન્યના ભૂતપૂર્વ સૈનિક રહી ચૂકેલા બુટાસિંહ પર આધારિત હોવાનું કહેવાય છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે થયેલા કોમી રમખાણો દરમિયાન એમણે મુસ્લિમ છોકરી જૈનબનો જાન બચાવ્યો હતો, પરંતુ એમાં તેમનો પોતાનો જાન ગયો હતો. તે પ્રેમવાર્તા તો બહુ દુઃખદ હતી. નવી ફિલ્મની વાર્તા પણ આના વિશે જ છે એવું કહેવાય છે.