મુંબઈઃ ભાજપના રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ મૂક્યો હતો કે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેના મોત પહેલાં ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જાણીજોઈને તેના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો હતો, કેમ કે ત્યાં સુધીમાં તે ઝેર પેટના પાચક દ્રવ્યો સાથે ભળીને ઓગળી જાય અને હત્યારાઓની ઓળખ મળી ન શકે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે હત્યારાઓની વિકૃત માનસિકતા અને એની પહોંચ ધીમે-ધીમે સામે આવી રહી છે. ઓટોપ્સીમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવ્યો હતો.
ગઈ કાલે નેટિઝન્સે (યુઝર્સે) માગ કરી હતી કે આ મામલે તપાસ કરી રહેલી CBIએ સુશાંત સિંહની ઓટોપ્સી કરવાવાળા કૂપર હોસ્પિટલના ડોક્ટરોથી પૂછપરછ કરવી જોઈએ.
સ્વામીએ ટ્વીટમાં કહ્યું હતું કે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે અટકાયતમાં લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો રિયા દ્વારા આપવામાં આવેલા પુરાવા અને મહેશ ભટ્ટની સાથે તેમની વાતચીતમાં વિરોધાભાસ હોય તો CBIની પાસે એને ધરપકડ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.
હાલમાં જ રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે વોટ્સએપ દ્વારા વાતચીતના સ્ક્રીન શોટ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા છે, જેમાં નેટઝન્સે આરોપ લગાવ્યો હતો કે રિયાને ‘શુગર ડેડી’ મહેશ ભટ્ટએ એને સુશાંત સાથે બ્રેકઅપ કરવા માટે ઉશ્કેરી હતી.