ચલતે ચલતે, મેરે યે ગીત યાદ રખના
કભી અલવિદા ના કહના, કભી અલવિદા ના કહના.
*****
જિંદગી કા સફર હૈ યે કૈસા સફર
કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં.
*****
રૂક જાના નહીં, તૂ કહી હાર કે
કાંટો પે ચલ કે મિલેંગે સાયેં બહાર કે
ઓ રાહી ઓ રાહી.
બોલીવૂડના દિગ્ગજ પાર્શ્વગાયક અને એક્ટર કિશોરકુમારને લોકો આજે પણ યાદ કરે છે. તેમના દરેક ગીતો લોકપ્રિય થયા છે. તેમણે ફિલ્મની દરેક કલા પર હાથ અજમાવ્યો હતો અને એમાં સફળ સાબિત થયા હતા. કિશોરકુમારને લોકો તેમના બિનધાસ્ત વ્યક્તિત્વ માટે પણ ખાસ યાદ કરે છે. ફિલ્મસેટથી માંડીને ખાનગી જિંદગીમાં તેઓ બહુ મનમોજી વ્યક્તિ હતા. આજે કિશોરકુમારની 33મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમના કેટલાક યાદગાર પ્રસંગો વિશે જાણીએ.
ફિલ્મ સેટ પર કિશોરકુમારની મસ્તી
એક ઇન્ટરવ્યુ દરમ્યાન કિશોરકુમારના પુત્ર અમિતકુમારે જણાવ્યું હતું કે એક વાર જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું થયું અને યુનિટના લોકો તેમની પાસે પૈસા માગવા આવ્યા ત્યારે કિશોરકુમારે કહ્યું, આટલો બધો ખર્ચો કેમ થઈ ગયો? આટલો ખર્ચો તો ન થવો જોઈએ. શું સમજે છે ડિરેક્ટર? જો હું પ્રોડ્યૂસર છું તો ચાલો, ભગાડો આ ડિરેક્ટરને –કે જે આટલો બધો ખર્ચ કરી રહ્યો છે. કોણ છે ડિરેક્ટર? આ સવાલના જવાબમાં લોકોએ કહ્યું કે તમે જ તો છો ડિરેક્ટર- એ સાંભળીને તેમણે કહ્યું, અરે, ડિરેક્ટર તો હું જ છું.
મસૂરી ફરવા જવાની યોજના
કિશોરકુમારને અલગ-અલગ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદવાનો શોખ હતો. એક વાર તેઓ બજારમાં અમસ્તા જ ગયા હતા, ત્યાં અચાનક એક દુકાનમાં એમની નજર મસૂરની દાળ પર પડી અને તેમણે તરત જ મસૂરી હિલસ્ટેશન ફરવા જવાની યોજના બનાવી લીધી હતી.
ખુદનો ઇન્ટરવ્યુ લેવા ઇચ્છતા હતા કિશોરકુમાર
રેડિયોના જાણીતા બ્રોડકાસ્ટર અમીન સાયાનીએ એક વાર BBCને જણાવ્યું હતું કે કિશોરકુમાર બહુ મજાના અને શરારતી વ્યક્તિ હતા. એક વાર કિશોરકુમારે અમીન સાયાનીને એ શરતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કે તેઓ પોતે જ પોતાનો ઇન્ટરવ્યુ લેશે. ત્યાર પછી અમીન સાયાનીને આપેલા એક અન્ય ઇન્ટરવ્યુમાં કિશોરકુમારે સંગીતકાર એસ.ડી. બર્મન સાથે પોતાની પહેલી મુલાકાતની નકલ કરીને બતાવી હતી.
કિશોર સાવ બાળક જેવા હતા
રુમા ઘોષ, મધુબાલા અને યોગિતા બાલી પછી કિશોરકુમારે લીના ચંદાવરકરની સાથે ચોથા લગ્ન કર્યાં હતાં. એક ઇન્ટરવ્યુમાં લીનાએ જણાવ્યું હતું કે કિશોર એકદમ મસ્તીખોર બાળક જેવા હતા. ક્યારેક-ક્યારેક વરસાદને જોઈને એટલા ખુશ થઈ જતા કે જાણે એને પહેલી જ વાર જોઈ રહ્યા હોય. લોકોને આશ્ચર્યચકિત કરવામાં એમને બહુ મજા આવતી હતી.
ચોકીદારને ડરાવ્યો
એક ઇન્ટરવ્યુમાં લીના ચંદાવરકરે જણાવ્યું હતું કે એક વાર કિશોર વિદેશથી અનેક પ્રકારના ચહેરાના માસ્ક લાવ્યા હતા. એક વાર તો તેમણે મોઢા ઉપર માસ્ક પહેરીને અમારાં ઘરના ચોકીદારને પણ ડરાવી દીધો હતો.