મુંબઈઃ ગઈ કાલે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામેલા 40 વર્ષીય ટીવી સિરિયલ અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ આજે સવારે અહીંની કૂપર હોસ્પિટલ દ્વારા એના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, પણ એનો રિપોર્ટ હજી જાહેર થવાનો બાકી છે. પરિવારજનો સિદ્ધાર્થના મૃતદેહને અંધેરી (વેસ્ટ) ઉપનગરસ્થિત એમનાં ઘેર લઈ જશે એવો અગાઉ અહેવાલ હતો, પરંતુ એમ કરાયું નહોતું. મૃતદેહને ફૂલોથી શણગારેલી એક એમ્બ્યૂલન્સમાં કૂપર હોસ્પિટલમાંથી સીધો જોગેશ્વરી (વેસ્ટ)ના ઓશિવરા સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી સમાજની વિધિનુસાર સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ બ્રહ્માકુમારી પ્રેરિત આધ્યાત્મિક્તામાં માનતો હતો. તે ઘણી વાર એના વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારી સેન્ટરની મુલાકાતે જતો હતો. સિદ્ધાર્થના પરિવારમાં એના માતા તથા બે મોટી બહેન છે. સ્મશાનભૂમિની અંદર અંતિમસંસ્કાર વખતે માત્ર સિદ્ધાર્થના પરિવારજનો, નિકટના મિત્રો તથા સગાંસંબંધીઓ જ હાજર રહ્યાં હતાં.
સ્મશાનભૂમિની બહાર સિદ્ધાર્થના સેંકડો પ્રશંસકોની મોટી ભીડ જમા થઈ હતી. સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ શેહનાઝ ગિલ પણ સ્મશાનભૂમિ ખાતે ગઈ હતી. એની સાથે એનો ભાઈ શેહબાઝ પણ હતો. શેહનાઝ સતત રડતી હતી. ટીવી સિરિયલોના બીજાં અનેક કલાકારો પણ સ્મશાનભૂમિ ખાતે હાજર રહ્યાં હતાં, જેમાં અભિનવ શુક્લા, કરણવીર બોહરા, શેફાલી જરીવાલા, જાન કુમાર શાનુ, અલી ગોની, અસીમ રિયાઝ, દર્શન રાવલ વગેરેનો સમાવેશ થાય છે.