સલમાન ખાને લોન્ચ કરી બીઈંગ હ્યુમન ઈ-સાઈકલ; લાલ કિલ્લા પરિસરમાં સાઈકલ પર ઘૂમ્યો

મુંબઈ – પર્યાવરણ સંરક્ષણ માટે ભારત સરકારે હાથ ધરેલા પ્રયાસોમાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ સામેલ થયો છે. પોતાની સમાજસેવી સંસ્થા બીઈંગ હ્યુમન મારફત એ સમાજ માટે પોતાના તરફથી યોગદાન આપી રહ્યો છે. એ ઘણા જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ કરી રહ્યો છે. એની ચેરિટીનું કદ રોજેરોજ વધી રહ્યું છે.

હાલમાં જ એણે ફિટનેસ વિશે જનજાગૃતિ કેળવવા માટે બીઈંગ સ્ટ્રોંગ જિમ લોન્ચ કર્યા હતા અને હવે એણે પોતાની બ્રાન્ડની ઈ-સાઈકલ શરૂ કરી છે.

બીઈંગ હ્યુમન ઈ-સાઈકલ્સના લોન્ચિંગની જાહેરાતને એણે અનોખી રીતે કરી છે.

દિલ્હીમાં લાલ કિલ્લા પરિસરમાં પોતે ઈ-સાઈકલ ફેરવી રહ્યો છે એ દર્શાવતો એક વિડિયો એણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

સલમાને આ સાઈકલને પ્રમોટ કરતી વખતે જણાવ્યું છે ઈ-સાઈકલ ચલાવવાના ઘણા ફાયદા છે. ‘વાતાવરણ, પ્રદૂષણ, આરોગ્ય તથા કમ્ફર્ટ માટે સાઈક્લિંગ કરવું જરૂરી છે.’ લોન્ચ કરવા સાથે એવો દાવો કર્યો છે કે ઈ-સાઈકલ્સ લોકોની જીવનશૈલીને સ્વસ્થ બનાવે છે તેમજ પર્યાવરણની રક્ષા પણ કરે છે.

સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ થયેલો સલમાન લાલ કિલ્લા પરિસરમાં ઈ-સાઈકલ પર ફરી રહ્યો છે તે વિડિયોમાં જોઈ શકાય છે.

ઈ-સાઈકલિંગને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

હવે ટૂંક સમયમાં જ સલમાન દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે ઉપર ખાસ બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેક ઉપર પણ ઈ-સાઈકલ ચલાવવાનો છે.

બોલીવૂ઼ડ સ્તરે, સલમાન તેની ‘દબંગ 3’ ફિલ્મ બનાવવામાં હાલ વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષની 20 ડિસેંબરે રિલીઝ થવાની છે. તે ઉપરાંત સંજય લીલા ભણસાલી નિર્મિત ‘ઈંશાલ્લાહ’માં પણ એ ભૂમિકા ભજવી રહ્યો છે. એમાં તે એનાથી અડધી ઉંમરની અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરતો જોવા મળશે.