મુંબઈઃ ઈસ્કેમિયા તરીકે ઓળખાતી હૃદયની એક તકલીફને કારણે ગયા અઠવાડિયે અહીંના ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયેલાં પીઢ બોલીવૂડ અભિનેત્રી સાયરા બાનુનાં સ્વાસ્થ્ય વિશે એમનાં ડોક્ટરે સ્પષ્ટતા કરી છે.
સાયરા બાનુ એન્જિયોગ્રાફી કરાવવાની ના પાડે છે અને પતિ દિલીપકુમારના અવસાન બાદ તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યાં છે એવી અફવાઓનું ડો. નીતિન ગોખલેએ ખંડન કર્યું છે. એમણે કહ્યું છે કે સાયરાજી ડિપ્રેશનનો શિકાર બન્યાં નથી. વળી, એમનું સ્વાસ્થ્ય એટલું બધું પણ ખરાબ નથી તેથી તેઓ એન્જિયોગ્રાફી કરાવવાની ના પાડે છે એવું માનવાની કોઈ જરૂર નથી. અમે એમની એન્જિયોગ્રાફી ત્યારે કરીશું જ્યારે એમનું ડાયાબિટીસ લેવલ અંકુશમાં આવી જાય. ડો. ગોખલેએ એમ પણ કહ્યું કે સાયરા બાનુને આઈસીયૂમાંથી બહાર લાવવામાં આવ્યાં છે અને એમને એક રૂમમાં રાખવામાં આવ્યાં છે. એમની તબિયત ઘણી સારી છે.
