મુંબઈઃ એસ.એસ. રાજમૌલી દ્વારા દિગ્દર્શિત અને જુનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ દ્વારા અભિનીત બહુભાષી ફિલ્મ ‘RRR’ થિએટરોમાં તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એકસાથે જ રિલીઝ કરવામાં આવશે. નિર્માતાઓએ ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવા માટે ઝી-5 અને નેટફ્લિક્સ સાથે સહયોગ કર્યો છે.
થિએટરોમાં રિલીઝ કરાયા બાદ ફિલ્મને ઝી-5 ઉપર તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સ્ટ્રીમ કરાશે. નેટફ્લિક્સ પર, આ ફિલ્મને હિન્દી, અંગ્રેજી, કોરિયન, પોર્ટુગીઝ, તૂર્કી અને સ્પેનિશ આવૃત્તિઓમાં રિલીઝ કરાશે. નિર્માતાઓએ હિન્દી વર્ઝન માટે ઝી સિનેમા સાથે સહયોગ કર્યો છે. આ ઐતિહાસિક વિષયવાળી ફિલ્મ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ – કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુ પર આધારિત છે. ફિલ્મને તેલુગુ ભાષામાં બનાવવામાં આવી છે અને થિયેટરોમાં તેની હિન્દી, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષાની આવૃતિઓ પણ રિલીઝ કરાશે.