મુંબઈઃ બોલીવૂડ અભિનેતા રિશી કપૂરે 2017માં એક ટ્વીટ કર્યું હતું… ‘હું હવે 65 વર્ષનો છું અને મરતાં પહેલાં પાકિસ્તાન જોવા ઇચ્છું છું. હું ઇચ્છું છું કે મારાં બાળકો પૂર્વજોનું વતન જોવા ઇચ્છે છે.’ મહાન અભિનેતા રિશી કપૂર હવે આપણી વચ્ચે નથી. તેમણે ગુરવારે (30 એપ્રિલે) દુનિયાને અલવિદા કહી દીધી છે. કપૂર ખાનદાનની ત્રીજી પેઢીના આ સિતારાની હવે યાદો જ આપણી પાસે છે. ઉલ્લેખનીય છે કે કપૂર પરિવાર ભારત-પાકિસ્તાનના ભાગલા થયા બાદ પાકિસ્તાનમાંથી ભારત આવ્યો હતો. એટલે રિશી કપૂરના દિલમાં પાકિસ્તાન માટે હંમેશાં ખાસ જગ્યા રહી હતી. રિશી કપૂર સ્વયંને કાશ્મીરના ઋણી પણ કહેતા હતા.
કપૂર પરિવાર પાકિસ્તાનના પેશાવરથી આવ્યો
ભારતના ભાગલા પૂર્વે કપૂર પરિવાર પાકિસ્તાનના પેશાવર શહેરમાં રહેતો હતો. રિશીના દાદા પૃથ્વીરાજ કપૂર પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ભારત આવી ગયા હતા અને મુંબઈમાં સ્થાયી થયા હતા. રિશી કપૂર પાકિસ્તાન અને કશ્મીર વિશે સોશિયલ મિડિયા પર પોતાના વિચારો અવારનવાર પ્રગટ કરતા હતા. જો કે ક્યારેક વિવાદોમાં ઘેરાયા હતા.
રિશી કપૂરની 15 ફિલ્મોનું શૂટિંગ કાશ્મીરમાં
રિશી કપૂરની 15થી પણ વધારે ફિલ્મોનું શૂટિંગ કશ્મીરની ધરતી પર કરવામાં આવ્યું હતું. તેમની પહેલી અને મશહૂર ફિલ્મ ‘બોબી’ના સૌથી લોકપ્રિય ગીત ‘ઔર ચાબી ખો જાય’નું શૂટિંગ પણ પણ અહીં થયું હતું. 39 વર્ષ બાદ, 2011માં રિશીએ એ સ્થળની ફરી મુલાકાત લીધી હતી.
રિશી કપૂરે કશ્મીરમાં બધી જગ્યાએ જવાનો નિર્ણય કર્યો હતો, પણ…
વચ્ચેનાં અમુક વર્ષોમાં કશ્મીરમાં આતંકવાદને કારણે ફિલ્મોના શૂટિંગ બંધ થયાં હતાં. એ પછી 23 વર્ષે, 2011માં રિશી કશ્મીર ગયા હતા. તેમણે કહ્યું હતું કે આજે હું જે કંઈ પણ છું, તે આ ગુલમર્ગ, આ કાશ્મીરને લીધે છે. અમારા પરિવારને કશ્મીરની માટી સાથે સંબંધ છે. હું મારી પૂરી જિંદગીમાં કશ્મીરને પ્રેમ કરતો રહીશ. મેં કશ્મીરમાં એ બધી જગ્યાઓએ જવાનો નિર્ણય કર્યો છે, જ્યાં મારા પિતા (રાજ કપૂર)એ મારી પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.