અભિનેતા રિશી કપૂરનું નિધન; એ 67 વર્ષના હતા

મુંબઈઃ બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક, રિશી કપૂરનું આજે સવારે અહીં અવસાન થયું છે. એ 67 વર્ષના હતા. એમના નિધનના સમાચાર મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપ્યા હતા.

રિશીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ગઈ કાલે રાતે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે સવારે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એમને હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી તેમના મોટા ભાઈ રણધીર કપૂરે આપી હતી. અમેરિકામાં કેન્સરની સારવાર કરાવ્યા પછી રિશી કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યા હતા. હવે એમની તબિયત ફરી ખરાબ થતાં એમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રિશી કપૂરના પરિવારમાં એમના અભિનેત્રી પત્ની નીતૂ સિંઘ-કપૂર, પુત્ર રણબીર કપૂર, પુત્રી રિધીમા કપૂર-સાહની છે.

રિશી કપૂર ભારતીય સિનેમાના દંતકથાસમાન અભિનેતા અને દિગ્દર્શક રાજ કપૂર અને ક્રિષ્ના રાજ કપૂરના પુત્ર હતા. એમણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું હતું. પોતે નિર્માતા પણ બન્યા હતા.

રિશી કપૂરે 1970માં રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ સાથે ફિલ્મ કારકિર્દીનો આરંભ કર્યો હતો. પણ હિરો તરીકે એમની પહેલી ફિલ્મ હતી ‘બોબી’, જે 1973માં રિલીઝ થઈ હતી, જેમાં એમની હિરોઈન હતી ડિમ્પલ કાપડિયા.

પાંચ દાયકાની કારકિર્દીમાં રિશીએ અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો, જેમ ‘કર્ઝ’, ‘ખેલ ખેલ મેં’, ‘અમર અકબર એન્થની’, ‘લૈલા મજનૂ’, ‘નગીના’, ‘સાગર’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘ચાંદની’, ‘દામિની’, ‘દો દૂની ચાર’, ‘અગ્નિપથ’, ‘કપૂર એન્ડ સન્સ’ વગેરે.

‘મેરા નામ જોકર’માં બાળ કલાકાર તરીકે કરેલી ભૂમિકા બદલ એમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રિશીને અગાઉ ફેબ્રુઆરીમાં પણ હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે એમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ દિલ્હીથી મુંબઈ આવ્યા પછી તેમને વાઇરલ ફીવરને કારણે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રિશી કપૂર એમના અભિનયની સાથોસાથ સોશિયલ મિડિયા પર પોતાના વિચારો રજૂ કરવા માટે પણ જાણીતા છે. તેઓ ખાસ કરીને ટ્વિટર પર સક્રિય હતા. જોકે બીજી એપ્રિલ પછી તેમણે એકેય ટ્વીટ કર્યું નહોતું.