કોરોનાને માત આપીને હવે પ્લાઝમા ડોનેટ કરવા કનિકા તૈયાર

નવી દિલ્હીઃ કોરોના જેવી મહામારી સામે જીત્યા બાદ બોલીવૂડ ગાયિકા કનિકા કપૂરે ગત દિવસોમાં પોતાનાં પ્લાઝમા દાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આના માટે ડોક્ટર્સે એ પણ જોવાનું હતું કે, કનિકા પ્લાઝમા આપી શકે છે કે નહી. હવે લખનઉ સ્થિત કેજીએમયૂમાં થયેલી તપાસમાં કનિકાનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને લોહીના નમૂના પણ માપદંડને ખરા ઉતર્યા છે. આનો અર્થ એ છે કે, કનિકા કપૂર પ્લાઝમા ડોનેશન માટે પૂર્ણ રીતે ફીટ જણાઈ છે. હવે ડોક્ટર્સ જરુરિયાત મુજબ ગમે ત્યારે કનિકાનો પ્લાઝમા લઈ શકે છે. પ્લાઝમા આપવા માટે કનિકાએ હોસ્પિટલમાં જવું પડશે. ડોક્ટરોનું માનવું છે કે, કોરોના સર્વાઈવર્સના બ્લડથી પ્લાઝમા કાઢીને જો કોરોના દર્દીઓને આપવામાં આવે તો તે સાજા થવામાં મદદ કરે છે. પ્લાઝમા ડોનેટ કરવા માટે કેટલાય કોરોનના સર્વાઈવર્સ સામે આવી રહ્યા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્લાઝમા થેરેપીને અત્યારે એક્સપેરિમેન્ટલ ગણાવી છે.

કોરોના સામેની લડાઈ જીત્યા બાદ કનિકા અત્યારે લખનઉમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કારણ કે કનિકા પર લાપરવાહીના તમામ આરોપ લાગ્યા હતા એટલા માટે કનિકા કપૂરે સાજી થયા બાદ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. પોતાના બચાવમાં કનિકાએ કહ્યું હતું કે, હું યૂકેથી લઈને મુંબઈ અને લખનઉ સુધી જે લોકોને મળી હતી તે લોકોમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ નહોતા. તે તમામ લોકો કોરોના નેગેટિવ જણાયા હતા. હું 10 માર્ચના રોજ યૂ.કેથી મુંબઈ આવી હતી.

તે સમયે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કનિકાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે આવી કોઈ એડવાઈઝરી નહોતી કે પોતાને ક્વોરન્ટીન કરવાની છે. 11 માર્ચના રોજ હું મારા માતા-પિતાને મળવા લખનઉ ગઈ હતી. તે સમયે એરપોર્ટ પર કોઈપણ પ્રકારનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું નહોતું. મેં 14 અને 15 માર્ચના રોજ મારા મિત્ર સાથે લંચ પણ કર્યું હતું. 17 અને 18 માર્ચના રોજ મને કેટલાક લક્ષણો દેખાયા હતા અને બાદમાં 19 માર્ચના રોજ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને કોરોના પોઝિટીવ હોવાની વાત સામે આવી હતી.