‘પદ્માવતી’ ૧ ડિસેમ્બરે રિલીઝ નહીં થાય, નિર્માતા કંપની વાયકોમ18ની જાહેરાત

મુંબઈ – દીપિકા પદુકોણને રાજપૂત રાણી પદ્માવતીની શિર્ષક ભૂમિકામાં ચમકાવતી, પણ રિલીઝ પહેલાં જ ખૂબ જ વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ને નિર્ધારિત ૧ ડિસેમ્બરે રિલીઝ ન કરવાની તેની નિર્માતા કંપની વાયકોમ18 તરફથી જાહેરાત કરવામાં આવી છે.

વાયકોમ18 દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે સ્વેચ્છાએ આ ફિલ્મની રિલીઝ કરવાનું મોકૂફ રાખ્યું છે.

‘પદ્માવતી’નું વાયકોમ18 અને સંજય લીલા ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા સાથે મળીને નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કેન્દ્રને વિનંતી કરી છે કે જ્યાં સુધી આ ફિલ્મમાં જરૂરી ફેરફારો કરવામાં ન આવે ત્યાં સુધી એને રિલીઝ કરવા દેવી ન જોઈએ.

વાયકોમ18 કંપનીએ કહ્યું છે કે અમે ફિલ્મની રિલીઝની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરીશું.

‘પદ્માવતી’ ફિલ્મ રાજપૂત રાણી પદ્માવતીને લગતી ઐતિહાસિક કથા પર આધારિત છે. શ્રી રાજપૂત કરણી સેના સહિત અનેક રાજપૂત સંગઠનો, સંસ્થાઓએ એવો આક્ષેપ કર્યો છે કે એમની પાસે પાકી માહિતી છે કે આ ફિલ્મ બનાવવામાં ઐતિહાસિક હકીકતો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ફિલ્મ સામે આ સંગઠનોનો વિરોધ મહિનાઓથી ચાલી રહ્યો છે. એમાં ગયા અઠવાડિયે કરણી સેનાના નેતાઓએ દીપિકા પદુકોણનું નાક કાપી નાખવાની ધમકી આપતાં આ વિવાદે અજૂગતો વળાંક લીધો છે.