‘મર્દાની 2’: રાની મુખરજી મળી મહારાષ્ટ્રનાં સુપરકોપ અર્ચના ત્યાગીને

મુંબઈ – પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘મર્દાની 2’ની રિલીઝની તૈયારી કરી રહેલી અભિનેત્રી રાની મુખર્જી આજે મહારાષ્ટ્રનાં અતિરિક્ત પોલીસ વડા અને મહારાષ્ટ્ર SRPFના વડાં અર્ચના ત્યાગીને મળી હતી અને એમની સાથે દેશમાં સગીર વયનાં લોકો દ્વારા કરવામાં આવી રહેલા ગુનાઓની સમસ્યા વિશે ચર્ચા કરી હતી.

‘લેડી સુપર કોપ’ તરીકે જાણીતાં થયેલાં અર્ચના ત્યાગીએ કહ્યું હતું કે આપણે એમ સમજીએ છીએ કે કોઈ છોકરો કિશોરાવસ્થાનો હોય તો એ કોઈ ગુનો આચરવા સમર્થ હોતો નથી, પણ એ વાત ખોટી છે.

મહિલાઓએ એમની આસપાસના વાતાવરણથી અત્યંત સતર્ક રહેવું જોઈએ. તેઓ ગમે તે ઉંમરના પુરુષ સાથે વાત કરતા હોય તો પણ એમણે સજાગ રહેવું જોઈએ, એમ ત્યાગીએ કહ્યું હતું.

અર્ચના ત્યાગીએ વધુમાં કહ્યું કે મહિલાઓએ જરાય હળવાશથી કામ લેવું ન જોઈએ. એમણે કાયમ સતર્ક રહેવું જ જોઈએ. તમે કોઈ સ્ત્રીને એમ કહી ન શકો કે ‘યે કપડે મત પહનો’, કારણ કે મહિલાઓને એની આઝાદી છે. આપણે આપણી દીકરીઓને એમના વધારે સારા જીવન માટે ઉછેરીએ છીએ, પરંતુ આપણે આપણા દીકરાઓ સ્ત્રીઓનો આદર કરે એનું ઘડતર કરતા નથી.

મોટે ભાગે ગરીબ કે વંચિત વર્ગનાં સગીર વયનાં છોકરાઓ ગુનેગારી તરફ વળે છે એવા દાવાને રદિયો આપતાં ત્યાગીએ કહ્યું કે સમાજના ભદ્ર વર્ગના છોકરાઓ પણ એમની પાસે બધું હોય તે છતાં ગુનાઓ કરે છે. તેથી લોકોએ એમનાં દીકરાઓને તેઓ મહિલાઓ પ્રતિ લાગણીશીલ રહે એ રીતે એમનો ઉછેર કરવો જોઈએ. પોલીસ અને સરકાર તો એમની કામગીરી બજાવશે જ, પરંતુ દરેક વ્યક્તિ દીઠ એક પોલીસજવાનને ગોઠવી શકાય નહીં.

મર્દાની 2 ફિલ્મ આવતી 13 ડિસેંબરે રિલીઝ થવાની છે. એમાં સગીર વયનાં છોકરાઓ દ્વારા મહિલાઓ પર કરવામાં આવતા અત્યાચારના જ વિષયને જ લેવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]