‘લવયાત્રી’ શિર્ષક વિવાદના કેસમાં સલમાન ખાનને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ

નવી દિલ્હી – બોલીવૂડની ફિલ્મો અને કલાકારો કાનૂની બાબતોમાં સપડાયા હોવાના અનેક કિસ્સા બન્યા છે અને એમાંનો એક કિસ્સો છે સલમાન ખાનના હોમ પ્રોડક્શનની ‘લવયાત્રી’ ફિલ્મ વિશેનો, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. એ ફિલ્મ સાથે આયુષ શર્મા (સલમાનના બનેવી) અને વરીના હુસૈને હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

‘લવયાત્રી’ ફિલ્મનું મૂળ ટાઈટલ ‘લવ રાત્રી’ હતું અને એને કારણે ફિલ્મ વિવાદમાં સપડાઈ હતી. ઘણા ધાર્મિક જૂથોએ નિર્માતા સલમાન ખાન સહિત નિર્માતાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ‘લવરાત્રી’ નામ હિન્દુ તહેવાર ‘નવરાત્રી’ને મળતું આવે છે. વળી, ફિલ્મના થીમની પાર્શ્વભૂમિમાં પણ નવરાત્રી તહેવાર જ હતો.

ગયા વર્ષે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ અનેક ક્રિમિનલ ફરિયાદો નોંધવામાં આવી હતી. હવે આજે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાને લગતા કેસમાં સલમાન ખાન સામે કોઈ પણ પ્રકારનું સખતાઈભર્યું પગલું ભરવું નહીં.

કેટલાક લોકોએ ફરિયાદ કર્યા બાદ સલમાન ખાને એની ફિલ્મનું ટાઈટલ ‘લવરાત્રી’ બદલીને ‘લવયાત્રી’ કર્યું હતું. ગયા વર્ષે એક પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન સલમાને કહ્યું હતું કે ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે અને એમાં કોઈ ધાર્મિક ઝનૂનને લગતી વાર્તા નથી, તેમજ લોકોની લાગણીને ઠેસ પહોંચવાડનો એમનો કોઈ ઈરાદો નથી.

જમણેરી ઝોકવાળી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે અગાઉ ‘લવરાત્રી’ ટાઈટલ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. એમનું કહેવું હતું કે આ ટાઈટલ હિન્દુ તહેવાર નવરાત્રીના અર્થને વિકૃત સ્વરૂપ આપે છે.

બાદમાં, બિહારની એક અદાલતે પણ ફિલ્મના સહ-નિર્માતા સલમાન ખાન સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ફિલ્મનું ટાઈટલ લોકોની ધાર્મિક લાગણી દુભાવનારું છે અને અશિષ્ટતાને ઉત્તેજન આપે છે. એ જ વખતે નિર્માતાઓએ ફિલ્મનું ટાઈટલ ‘લવરાત્રી’ને બદલીને ‘લવયાત્રી’ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]