રણબીર, વાણી ગયા છે લડાખ; ‘શમશેરા’નાં શૂટિંગ માટે

મુંબઈ – જમ્મુ અને કશ્મીર તથા લડાખને પોતાની સરકારે નવા કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ઘોષિત કર્યા બાદ આ પ્રદેશોના નયનરમ્ય લોકેશન્સ પર ફિલ્મનાં શૂટિંગ શરૂ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી વિનંતીને ત્વરિત પ્રતિસાદ આપ્યો છે ‘શમશેરા’ ફિલ્મના નિર્માતાઓએ.

આ ફિલ્મનાં મુખ્ય કલાકારો – રણબીર કપૂર અને વાણી કપૂર તો લડાખ જવા રવાના પણ થઈ ગયાં છે.

લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ કરાયા બાદ ત્યાં શૂટિંગ કરનાર ‘શમશેરા’ પહેલી ફિલ્મ છે.

ફિલ્મ સાથે સંકળાયેલા અમુક સૂત્રોએ કહ્યું છે કે દિગ્દર્શક કરણ મલ્હોત્રા દર્શકોને રૂપેરી પડદા પર દિલધડક દ્રશ્યો દેખાડશે. ફિલ્મને ભવ્ય બનાવવા માટે મલ્હોત્રા કોઈ જ કચાશ રહેવા દેવાના નથી.

આ ફિલ્મ શૂટિંગની વિગતોને અત્યંત ખાનગી રાખવામાં આવી છે અને શૂટિંગમાં ભાગ લેવાના છે માત્ર એ જ વ્યક્તિઓને તેની જાણકારી છે.

‘શમશેરા’ ફિલ્મમાં સંજય દત્તની પણ મહત્ત્વની ભૂમિકા છે જે ફિલ્મમાં રણબીરના કટ્ટર શત્રુનો રોલ કરે છે. સંજય આ ફિલ્મમાં ક્રૂર અને નિર્દયી ખલનાયકનો રોલ કરી રહ્યા છે.

જોકે લડાખ અને જમ્મુ-કશ્મીરમાં થનાર શૂટિંગમાં માત્ર રણબીર અને વાણી જ ભાગ લેવાનાં છે.