સેન્સર બોર્ડે ‘રામ સેતુ’ને U/A સર્ટિફિકેટ આપ્યું

મુંબઈઃ અક્ષય કુમાર અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘રામ સેતુ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) દ્વારા U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાનો બોલીવુડ હંગામા ન્યૂઝ વેબસાઈટ પર અહેવાલ છે.

સેન્સર બોર્ડે ફિલ્મના દ્રશ્યોમાં કોઈ કાપ મૂક્યો નથી, પણ સંવાદોમાં અનેક સુધારા કરવાનું સૂચન કર્યું હતું. જેમ કે, અનેક સંવાદો વખતે ‘રામ’ શબ્દ બોલાય છે, પરંતુ નિર્માતાઓને જણાવાયું હતું કે એની જગ્યાએ ‘શ્રી રામ’ કરો. એવી જ રીતે, ‘બુદ્ધ’ની જગ્યાએ ‘ભગવાન બુદ્ધ’ કે ‘લોર્ડ બુદ્ધ’ કરો. ‘શ્રી રામ કૌનસે એન્જિનિયરિંગ કોલેજ ગયે થે?’ તે ડાયલોગમાં ફેરફાર કરીને આમ કરવાનું સૂચન કરાયું છેઃ ‘યહ સબ કૌનસે એન્જિનિયરિંગ કોલેજ મેં પઢાયે જાતે હૈં?’ આ સુધારા કરી દેવાયા બાદ સેન્સર બોર્ડે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપ્યું છે.

અક્ષય ઉપરાંત નુસરત ભરૂચા અને જેક્લીન ફર્નાન્ડિસ અભિનીત આ ફિલ્મ આવતી 25 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.