NIAની ચાર પાકિસ્તાની સહિત 12 આતંકવાદી સામે ચાર્જશીટ દાખલ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી સાંબામાં વડા પ્રધાન મોદીની મુલાકાત પહેલાં થયેલા આતંકવાદી હુમલામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 12 લોકોને આરોપી બનાવ્યા છે, જેમાં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ (JeM)ના પ્રમુખ મસૂદ અઝહર સહિત પાંચ પાકિસ્તાની આતંકવાદી સામેલ છે.

NIAએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એજન્સીએ જૈશ પ્રમુખ મૌલાના મસૂદ અઝહર અને તેના ચાર પાકિસ્તાનીઓની સાથે માર્યા ગયેલા બે આતંકવાદી સહિત પાંચ કાશ્મીરના રહેવાસીઓને પણ આરોપી બનાવ્યા છે. વડા પ્રધાન મોદીના સાંબાના પ્રવાસના બે દિવસ પહેલાં આ હુમલામાં એક CISF અધિકારીએ જીવ ગુમાવવો પડ્યો હતો અને બે પોલીસ કર્મચારીઓ સહિત નવ ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓ સુરંગ દ્વારા સરહદ પારથી ઘૂસણખોરી કરીને આવ્યા હતા અને બે પશ્તૂ ભાષી આતંકવાદી 22 એપ્રિલે અથડામણમાં માર્યા ગયા હતા.

NIAએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે જમ્મુ ક્ષેત્રમાં વડા પ્રધાનની નિર્ધારિત યાત્રામાં અડચણો નાખવાના ઇરાદે સાંબા સેક્ટરમાં સરહદની ચોકી ફકીરાના અંતર્ગત આવતા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરંગ ખોદી કાઢવામાં આવી હતી. સુરક્ષા દળોએ આતંકવાદીઓની કામગીરીને અટકાવી દીધી હતી અને જમ્મુ શહેરના બહારના વિસ્તાર સુંજવા વિસ્તારમાં અથડામણમાં બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ મામલો 22 એપ્રિલે જમ્મુના બહુ ફોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ 26 એપ્રિલે NIAએ એને નોંધ્યો હતો.