પ્રિયંકા ચોપરાએ નીરવ મોદીને કાનૂની નોટિસ મોકલી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જાહેરાત કરી છે કે એ જ્વેલરી બિઝનેસના મહારથી નીરવ મોદી પર કેસ કરશે, કારણ કે 2017માં મોદીએ એમની જ્વેલરી બ્રાન્ડ માટે પોતાની પાસે એક જાહેરખબર કરાવી હતી, પણ એના પોતાને હજી સુધી પૈસા ચૂકવ્યા નથી.

પ્રિયંકાએ નીરવ મોદીની કંપની નીરવ મોદી જ્વેલ્સને કાનૂની નોટિસ મોકલી છે.

પ્રિયંકાએ સાથી બોલીવૂડ કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે એ જાહેરખબરમાં એક્ટિંગ કરી હતી.

નીરવ મોદી પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 11,400 કરોડની રકમની કરાયેલી છેતરપીંડીના કૌભાંડમાં સંડોવાયેલા છે, પણ હાલ ભારતમાંથી ફરાર થઈ ગયા હોવાનો અહેવાલ છે.

ગયા વર્ષે પ્રિયંકા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ નીરવ મોદી જ્વેલ્સ માટેની એડ માટે પોઝ આપ્યાં હતાં. આ જોડી હજી સુધી ફિલ્મમાં ચમકી નથી અને કોઈ બ્રાન્ડનાં એન્ડોર્સમેન્ટ માટે પણ પહેલી જ વાર ચમકી હતી.

નીરવ મોદી અને સોનમ કપૂર

પરંતુ હવે જ્યારે નીરવ મોદીને સંડોવતું પીએનબી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે પ્રિયંકાએ અવાજ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે મોદીએ પોતાને બાકી નીકળતા પૈસા ચૂકવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડના ઘણા સિતારાઓ નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડ સાથે સંકળાયેલા છે. પ્રિયંકા ચોપરા ઉપરાંત સોનમ કપૂર, નિમ્રત કૌર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, ચિત્રાંગદા સિંહ, શિલ્પા શેટ્ટી જેવી અભિનેત્રીઓ પણ ભૂતકાળમાં નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરી પહેરીને જાહેરખબરમાં કામ કરી ચૂકી છે.

નીરવ મોદીના જ્વેલરી સ્ટોર્સ લંડન, ન્યૂ યોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપોર, બીજિંગ સહિત દુનિયાના 16 શહેરોમાં છે. ભારતમાં આના સ્ટોર મુંબઈ અને દિલ્હીમાં છે. નીરવ મોદીએ 2010માં પોતાના જ નામથી ડાયમંડ કંપની શરૂ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]