PNB અને ગીતાજંલી જેમ્સના શેરમાં કડાકો, સેન્સેક્સ 141 પ્લસ

અમદાવાદ– શેરબજારમાં આજે ઘટાડાને બ્રેક વાગી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. તેમજ જાન્યુઆરી મહિનાનો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 2.84 ટકા આવ્યો છે, તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા છે. પરિણામે તેજીવાળા ખેલાડીઓએ બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી. પંજાબ નેશનલ બેંક અને ગીતાજંલી જેમ્સના શેરમાં કડાકો બોલી ગયો હતો. તેમ છતાં ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 141.52(0.41 ટકા) વધી 34,297.47 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 44.60(0.42 ટકા) વધી 10,545.50 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની તેજીને પગલે આજે સવારે ભારતીય શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા. પંજાબ નેશનલ બેંકમાં રુપિયા 11,130 કરોડનો ગોટાળો બહાર આવ્યો છે. સીબીઆઈએ ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે. નીરવ મોદી ભાગી ગયા છે. ઈડીએ નીરવ મોદીને ત્યાં દરોડા પાડ્યા છે. જે સમાચાર વચ્ચે તેજીવાળા દરેક ઉછાળે વેચવાલ થયા હતા. પણ સામે મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપ્યા હતા. પણ ટ્રેડિંગ સેશનના છેલ્લા અડધા કલાકમાં ફરીથી સરકારી બેંકોના શેરોમાં વેચવાલી ફરી વળી હતી, જેથી ઊંચા મથાળેથી માર્કેટ પાછુ પડ્યું હતું.

  • પંજાબ નેશનલ બેંકના કૌભાંડને પગલે પીએનબીના શેરમાં આજે સતત બીજા દિવસે ભારે વેચવાલી ફરી વળી હતી. પીએનબીના શેરનો ભાવ રુ.17.45(11.97 ટકા) તૂટી રુ.128.35 બંધ રહ્યો હતો.
  • પીએનબીના કૌભાંડમાં ગીતાજંલી જેમ્સનું નામ આવ્યું છે, જેથી ગીતાજંલી જેમ્સના શેરમાં જોરદાર વેચવાલીથી શેરનો ભાવ રુ.11.70(19.97 ટકા) તૂટી રુ.46.90 લોઅર સર્કિટમાં બંધ રહ્યો હતો.
  • પીએનબી કૌભાંડમાં સંકળાયેલ હોય કે ન હોય તેવા જ્વેલરી ઉદ્યોગના શેરમાં વેચવાલી હતી. પીસી જ્વેલ, ત્રિભોવન ભીમજી ઝવેરી, થાંગમેઈલ જ્વેલરી, રાજેશ એક્સપોર્ટમાં જોરદાર વેચવાલીથી શેરના ભાવમાં ગાબડા પડ્યા હતા.
  • બુધવારે એફઆઈઆઈએ રુપિયા 728 કરોડનું કુલ ચોખ્ખુ વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુપિયા 152.39 કરોડનું વેચાણ કર્યું હતું.
  • આજે ઓટો, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર(ફાર્મા) અને પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જ્યારે બેંક, એફએમસીજી, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ઘટાડે નવી લેવાલીના ટેકાથી મજબૂતી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ અને નિફટી પ્લસમાં બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં વેચવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 78.24 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 234.53 ગબડ્યો હતો.