ધો.10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, બોર્ડ પરીક્ષાના હાઉનો ભોગ બન્યો?

અંબાજી– યાત્રાધામ અંબાજીથી ચાર કિલોમીટરના અંતરે આવેલી એકલવ્ય મોડેલ રેસિડન્સી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક વિદ્યાર્થી અજય ગમાર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.વિગત પ્રમાણે એકલવ્ય મોડેલ રેસિડન્સી સ્કૂલના હોસ્ટેલમાં રુમનંબર 18માં રહેતો વિદ્યાર્થી અજય ગમાર ગઇકાલે સાંજે નાસ્તો કર્યાં બાદ પોતાના રુમમાં જતો રહ્યો હતો. મોડી રાત સુધી તેણે રુમનો દરવાજો ન ખોલતાં સ્કૂલ પ્રિન્સિપાલે રુમના પાછળના ભાગેથી અન્ય વિદ્યાર્થી પાસે તપાસ કરાવતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ વિદ્યાર્થીએ ધોરણ 10ની પરીક્ષા આવી રહી છે તેની તૈયારીના માનસિક દબાણમાં આવીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક અનુમાન બાંધવામાં આવ્યું છે.

શાળા તરફથી પોલિસ અને વિદ્યાર્થીના વાલીઓને જાણ કરવામાં આવી હતી. તાબડતોબ આવી પહોંચેલ પોલિસ અને વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પિતાને વિદ્યાર્થીના મોતને લઇને કોઇ શંકાકુશંકા ન હોવાથી તેમણે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરતાં પોલિસે લખાણ કરાવીને વિદ્યાર્થીના મૃતદેહને તેના પિતાને સોંપ્યો હતો.

વિદ્યાર્થી અજય ગમાર ધોરણ 10માં ભણતો હતો અને તે પરીક્ષા આપીને પોતાના રુમમાં ગયો હતો. આગામી દિવસોમાં બોર્ડ પરીક્ષા આવી રહી છે ત્યારે દબાણ અનુભવી રહેલા વિદ્યાર્થીએ ટેન્શનમાં આવીને આત્મઘાતી પગલું લીધું હોવાનું બની શકે છે ત્યારે શાળા દ્વારા બોર્ડ પરીક્ષાના ઉમેદવાર વિદ્યાર્થીઓને રુમમાં એકલાં ન રહેવા દેવા તકેદારી લેવાની ખાતરી આપી હતી. અંબાજી જેવા નાનકડાં ટાઉનમાં પ્રથમવાર બનેલી આવી ઘટનાને લઇને ભારે આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી.તસ્વીર અને અહેવાલ- ચિરાગ અગ્રવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]