મુંબઈઃ ‘બાહુબલી’ ફિલ્મના અભિનેતા પ્રભાસ સાથે બહુભાષી ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાન ખલનાયકનો રોલ કરવાનો છે. રામાયણ દંતકથા પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’માં એ લંકાના રાજા રાવણ એટલે કે ‘લંકેશ’નો રોલ કરવાનો છે જ્યારે પ્રભાસ બનશે ભગવાન શ્રીરામ.
આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરવાના છે. ફિલ્મના નિર્માતાઓ છેઃ ભૂષણ કુમાર, ક્રિશન કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયર.
ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં બનાવવામાં આવશે અને તામિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ડબ કરવામાં આવશે.
પ્રભાસે કહ્યું છે કે પોતે સૈફ અલી ખાન સાથે કામ કરવા અત્યંત રોમાંચિત થયો છે અને આ મહાન અભિનેતા સાથે કામ કરવા પોતે ખૂબ જ આતુર થયો છે.
સૈફ અલી ખાને પણ કહ્યું છે કે પોતે ઓમ રાઉત સાથે ફરી કામ કરવા ઉત્સૂક છે. એ બહુ દીર્ઘદ્રષ્ટિવાળા છે અને એ ખૂબ ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે. ”તાન્હાજી’ ફિલ્મ બનાવીને એ અમને આપણી ફિલ્મી દુનિયાથી ઘણે આગળ લઈ ગયા હતા. એ ફિલ્મ સુપરહિટ બની અને હવે હું એમની સાથે નવી ફિલ્મમાં કામ કરવા માટે રોમાંચિત થયો છું. હું પડછંદ પ્રભાસ સાથે તલવારબાજી કરવા અને રાક્ષસની ભૂમિકા ભજવવા આતુર છું.’
‘તાન્હાજી’ ફિલ્મમાં પણ સૈફ અલી ખાને વિલન ઉદયભાન સિંહ રાઠોરની ભૂમિકા કરી હતી.
ઓમ રાઉતે કહ્યું છે કે, ‘આપણા દંતકથાના સૌથી સશક્ત ખલનાયકની ભૂમિકા કરવા માટે અમારે કોઈક પ્રભાવશાળી અભિનેતાને જરૂર હતી. સૈફ અલી ખાન કરતાં વધારે સારો બીજો કોણ હોઈ શકે. એ અત્યારના મહાન અભિનેતાઓમાંનો એક છે, જે આ ધરખમ રોલ કરી શકે એમ છે. મને એની સાથે કામ કરવાનો ઘણો આનંદ આવ્યો હતો અને હવે ફરીવાર આ રોમાંચક સફરે જવા આતુર છું. ‘
‘આદિપુરુષ’ની પ્રી-પ્રોડક્શન તૈયારી હાલ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ 2021માં શરૂ થવાની ધારણા છે અને ફિલ્મ 2022માં રિલીઝ કરવામાં આવનાર છે.