મોદીએ પ્રથમ ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ જનતાને અર્પણ કર્યો

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સાંજે મુંબઈમાં યોજાઈ ગયેલા ખાસ સમારોહમાં પ્રથમ ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. રાજકીય ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મધ્ય-પૂર્વ મુંબઈના કિંગ સર્કલ ઉપનગરસ્થિત ષણ્મુખાનંદ સભાગૃહમાં આયોજિત સમારોહમાં ‘ભારત રત્ન’ સ્વ. લતા મંગેશકરનાં પરિવારજનો – બહેનો – મીના મંગેશકર, ઉષા મંગેશકર અને આશા ભોસલે તથા આદિત્યનાથ હૃદયનાથ મંગેશકરે પીએમ મોદીને એવોર્ડ એનાયત કર્યો હતો.
મોદીએ આ એવોર્ડ તમામ ભારતવાસીઓને અર્પણ કર્યો છે. સંબોધનની શરૂઆત એમણે ‘શ્રી સરસ્વત્ત્યે નમઃ’ બોલીને કરી હતી. એમણે કહ્યું કે, ‘લતાદીદી લોકોનાં છે. તેથી આ પુરસ્કાર હું દેશની જનતાને સમર્પિત કરું છું. 40-50 વર્ષ પહેલાં લતાદીદી સાથે મારે ઓળખાણ થઈ હતી. સંગીતકાર સુધીર ફળકેજીએ તે ઓળખાણ કરાવી હતી. લતાદીદી મારા મોટાં બહેન સમાન હતાં. એમનાં ભાઈ હૃદયનાથ મંગેશકર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી. એ જલદી સાજા થઈ જાય એવી મારી તેમને શુભેચ્છા છે. મને સંગીતનું જ્ઞાન નથી, પરંતુ હું એટલું જાણું છું કે સંગીત જ એક આધ્યાત્મિક સાધન છે અને એક ભાવના છે. સંગીતમાંથી તમને માતૃત્વ મેળવવા જેવી લાગણી થાય. સંગીત તમારામાં કર્તવ્ય અને દેશભક્તિની ભાવના જાગૃત કરાવી શકે છે.’
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, પીઢ અભિનેત્રી આશા પારેખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત રહ્યા નહોતા. એમને આમંત્રણ મોકલવામાં આવ્યું નહોતું. ઠાકરે વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ ખાતે પણ ગયા નહોતા. ષણ્મુખાનંદ હોલ કાર્યક્રમમાં મહાવિકાસ આઘાડી સરકારનું પ્રતિનિધિત્વ રાજ્યના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ કર્યું હતું. વડા પ્રધાન મોદી જમ્મુ-કશ્મીરથી ભારતીય હવાઈ દળના વિશેષ વિમાન દ્વારા મુંબઈ આવ્યા હતા.