સ્વરા ભાસ્કરને કોણ પરણશે?

મુંબઈઃ એક બાળકને દત્તક લેવાની જાહેરાત કરીને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સૌને ચોંકાવી દીધાં છે. સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી (CARA) સંસ્થામાં ‘સંભવિત પાલક માતાપિતા’ (PAP) તરીકે પોતાનું નામ નોંધાવ્યાં બાદ એ માતા બનવાની રાહ જોઈ રહી છે. ‘વીરે દી વેડિંગ’ હિન્દી ફિલ્મની અભિનેત્રી સ્વરાનું કહેવું છે કે, ‘બાળકને દત્તક તરીકે મેળવવાની પ્રક્રિયામાં પ્રતિક્ષાનો સમયગાળો લાંબો હોય છે. અનાથ બાળકોની સોંપણી પાલક માતાપિતાઓને કરતી વખતે CARA સંસ્થાને બહુ સાવચેતી રાખવી પડે છે કે એ માતાપિતા બાળકની બરાબર સુરક્ષિતત રીતે સંભાળ લેશે કે નહીં, એમને પ્રેમ આપશે કે નહીં. ભારતમાં બાળકોની હેરાફેરી મોટી સમસ્યા છે. તેથી સંસ્થાએ ધ્યાન રાખવું પડે કે બાળકની સોંપણી કોઈ શંકાસ્પદ ગેરકાયદેસર વ્યાપાર કરનારાને થઈ ન જાય. મને બાળકની સોંપણી ક્યારે કરાશે અને મને માતા બનતાં કેટલાં વર્ષો લાગશે એની મને ખબર નથી. તે એક રેન્ડમ (અવ્યવસ્થિત) લોટરી સિસ્ટમ જેવું છે. તમને જ્યારે દત્તક બાળકની ફાળવણી કરાય ત્યારે તમે પોતાની પસંદગી કરી શકો નહીં. તેથી બાળકને દત્તક લેવાની પદ્ધતિ ઘણી નિષ્પક્ષ અને ઉચિત છે,’ એમ ‘રાંઝણા’, ‘તનૂ વેડ્સ મનૂ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘નિલ બટ્ટે સન્નાટા’  જેવી ફિલ્મોની અભિનેત્રી સ્વરાએ વધુમાં કહ્યું.

લગ્ન કર્યાં વગર બાળકોને દત્તક લેવાનું પસંદ કરનાર બોલીવુડની અભિનેત્રીઓમાં સુસ્મિતા સેન અને રવીના ટંડન સાથે હવે સ્વરા પણ જોડાઈ છે. સ્વરાએ કહ્યું કે, ‘એકલી મહિલા તરીકે બાળકને દત્તક લેવાનું મારું આ પગલું ઘણું મોટું છે. ઘણાં લોકો મારાં વિશે ચિંતા કરે છે કે હવે તું લગ્ન કરી નહીં શકે. તારી સાથે લગ્ન કોણ કરશે? પરંતુ મારું એમને કહેવું છે કે મને મારાં માતા-પિતા, મારાં ભાઈ, મારાં ભાભી, મારાં નિકટનાં મિત્રો તરફથી ઘણો જ સાથ મળ્યો છે.’