મુંબઈ – આગામી પીરિયડ ડ્રામા હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’માં શિર્ષક ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા પદુકોણે કહ્યું છે કે પોતે આ રોલ નિભાવતી વખતે ખૂબ જ નર્વસની લાગણીનો અનુભવ કરી રહી છે.
આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મને નિર્માતાઓ 3D ટેક્નોલોજીમાં રિલીઝ કરવાના છે. ફિલ્મનું 3D ટ્રેલર આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે દીપિકા પણ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં દીપિકાએ સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મમાં કામ કરવા વિશે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
એણે કહ્યું કે, ‘સાચું કહું તો હું પદ્માવતીનો રોલ કરવામાં ખૂબ જ નર્વસ થઈ ગઈ છે. આટલી બધી નર્વસ હું અગાઉ ક્યારેય થઈ નહોતી. આ નર્વસનેસ દિલમાંથી નથી, પણ મનની, પેટમાં ગભરામણ જેવું છે… ટૂંકમાં, આ વખતની ગભરામણ સાવ જુદા પ્રકારની છે.’
‘પદ્માવતી’ ફિલ્મમાં રાજપૂત લોકોની બહાદુરી અને શૌર્યની ગાથા છે. ફિલ્મમાં મુગલ રાજા અલાઉદ્દીન ખિલજી અને રાજપૂત રાણી પદ્માવતી વચ્ચેના પ્રેમ પ્રસંગની વાત છે. જોકે ફિલ્મની વાર્તાના મામલે દેશભરમાં અનેક સ્થળે રાજપૂત સમુદાયના લોકોએ વિરોધ કર્યો છે અને ફિલ્મને રિલીઝ ન થવા દેવાની ધમકી સુદ્ધાં આપી છે.
ફિલ્મમાં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી બન્યો છે જ્યારે શાહિદ કપૂરે પદ્માવતીનાં પતિ રાજપૂત રાજાનો રોલ કર્યો છે.
દીપિકાએ કહ્યું કે, મને લાગે છે કે રાણી પદ્માવતી આજે પણ ક્યાંકને ક્યાંક ઉપસ્થિત છે. એ રાણી પદ્માવતીની શક્તિ જ છે જે અમને ફિલ્મ રિલીઝ કરવામાં મદદ કરી રહી છે. કોઈ પણ મુસીબત અમને ફિલ્મ રિલીઝ કરવામાં અટકાવી નહીં શકે.
દીપિકાએ વધુમાં કહ્યું કે ફિલ્મના 3D આવૃત્તિના ટ્રેલરને રજૂ કરવામાં અમે ઘણા જ ગર્વની લાગણી મહેસુસ કરી રહ્યા છીએ. અમારી ટીમ માટે, ભારતીય સિનેમા માટે તેમજ સમગ્ર વિશ્વના સિનેમા માટે આ એક મોટી સિદ્ધિ છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મના થિયેટ્રિકલ ટ્રેલરને વિડિયો-શેરિંગ સાઈટ યૂટ્યૂબ પર પાંચ કરોડથી વધારે હિટ્સ મળી છે.
વાયકોમ18 મોશન પિક્ચર્સ અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ‘પદ્માવતી’ ફિલ્મ આવતી 1 ડિસેંબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અદિતી રાવ હૈદરી, રઝા મુરાદ અને જિમ સરભ પણ સહાયક ભૂમિકાઓમાં છે.