મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (બોલીવુડ)માં ડ્રગ્સના વ્યાપેલા દૂષણનો પર્દાફાશ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારે ઝપાટો બોલાવ્યો છે. આજે એજન્સીના અધિકારીઓએ યુવા અભિનેત્રી અનન્યા પાંડેનાં અત્રે બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના પાલી હિલ વિસ્તારસ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો અને તેનાં મોબાઈલ ફોન, લેપટોપ તથા ઈલેક્ટ્રોનિક સાધનો કબજામાં લીધા હતા. એનસીબી અધિકારીઓએ અનન્યાનાં પિતા અને અભિનેતા ચંકી પાંડેના ઘર પર દરોડો પાડ્યો હતો અને પિતા-પુત્રીને કેસના સંબંધમાં પૂછપરછ માટે એનસીબી કાર્યાલયમાં હાજર થવાનું સમન્સ બજાવ્યું હતું. એને પગલે અનન્યા અને તેનાં પિતા ચંકી પાંડે સાંજે લગભગ ચાર વાગ્યે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારસ્થિત એનસીબી કાર્યાલય ખાતે હાજર થઈ ગયાં હતાં. અનન્યાને આવતીકાલે સવારે 11 વાગ્યે ફરી એનસીબી કાર્યાલયમાં હાજર થવાનું ફરમાન કરાયું છે.
એનસીબીના જ અન્ય અધિકારીઓએ એ જ વખતે સુપરસ્ટાર શાહરુખ ખાનના બાન્દ્રા (વેસ્ટ) સ્થિત ‘મન્નત’ બંગલો ખાતે પણ ગયા હતા. શાહરૂખનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં પખવાડિયાથી જેલમાં છે. કેસ સંબંધિત અમુક દસ્તાવેજોનો કબજો લેવા માટે એનસીબી અધિકારીઓ શાહરૂખના ઘેર પહોંચ્યા હતા.
દરમિયાન, મુંબઈ હાઈકોર્ટે આર્યન ખાને નોંધાવેલી જામીન અરજી પર આજે નિર્ણય લીધો નથી અને 26 ઓક્ટોબરે નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.