મુંબઈઃ બોલીવુડના જાણીતા ચરિત્ર અભિનેતા અને આગામી હિન્દી ફિલ્મ ‘હીરોપંતી 2’માં વિલનની ભૂમિકા ભજવનાર નવાઝુદ્દીન સિદ્દિકીએ હાલમાં જ એમનું સેલિબ્રિટીપણું છોડીને સામાન્ય નાગરિકની જેમ મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરવાનું પસંદ કર્યું હતું. ફ્રીપ્રેસ અખબારે આ સમાચાર સાથે લોકલ ટ્રેનમાં સફર કરતા નવાઝુદ્દીનનો વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. એમાં જોઈ શકાય છે કે નવાઝુદ્દીન મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ સ્ટેશન પર ટ્રેન આવવાની રાહ જોતા આંટા મારે છે અને પછી ગીરદીવાળી લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેસીને સફર કરી રહ્યા છે. બન્યું એવું કે, નવાઝુદ્દીન એમની એક આગામી ફિલ્મ માટે મીરા રોડમાં શૂટિંગ કરવા ગયા હતા. એમને બાદમાં વિરુદ્ધ છેડે, મુંબઈમાં એક સ્થળે કોઈક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું. એમણે ટ્રાફિકમાં સમય વેડફાઈ જવાની સંભાવનાને ધ્યાનમાં લઈને પોતાની લક્ઝરી કારને મીરા રોડમાં જ રહેવા દીધી હતી અને લોકલ ટ્રેન દ્વારા મુંબઈ જવાનું પસંદ કર્યું હતું.
નવાઝુદ્દીનની ‘હીરોપંતી 2’ ફિલ્મ આવતી 29 એપ્રિલે રિલીઝ થવાની છે. કંગના રણૌત નિર્મિત ‘ટિકૂ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન અને અવનીત કૌરની જોડી છે. તે ઉપરાંત કોમેડી ફિલ્મ ‘અફવાહ’માં એ ભૂમિ પેડણેકર સાથે ચમકશે. તેમની એક વધુ નવી ફિલ્મ આવી રહી છે ‘નૂરાની ચેહરા’.