થપ્પડકાંડઃ વિલ સ્મિથે ક્રિસ રોકની માફી માગી

લોસ એન્જેલીસઃ ગયા રવિવારે રાતે ડોલ્બી થિયેટરમાં યોજાઈ ગયેલા ઓસ્કર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન પોતાની પત્ની વિશેની મજાકથી ગુસ્સે ભરાયેલા હોલીવુડ અભિનેતા વિલ સ્મિથે સંચાલક અમેરિકન કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર જઈને થપ્પડ મારતાં મોટો વિવાદ સર્જાયો છે. સ્મિથે બાદમાં સોમવારે ઈન્સ્ટાગ્રામ મારફત ક્રિસ રોકની માફી માગી હતી. એમણે લખ્યું છેઃ ‘ક્રિસ, હું જાહેરમાં તમારી માફી માગું છું. હું ભાન ભૂલી ગયો હતો અને હું ખોટો હતો. મને હવે અફસોસ થાય છે. મારી હરકત એવા માનવી જેવી નહોતી જે હું બનવા માગું છું. પ્રેમ અને કરુણાભરી દુનિયામાં હિંસાને કોઈ સ્થાન નથી. કોઈ પણ પ્રકારની હિંસા ઝેરી અને વિનાશકારી હોય છે. ગઈ કાલે રાતે એકેડેમી એવોર્ડ્સ વખતનું મારું વર્તન અસ્વીકાર્ય હતું અને અક્ષમ્ય હતું. મારી મજાક ઉડાવાઈ હોત તો એને મેં કામગીરીનો એક હિસ્સો ગણી લીધી હોત, પરંતુ જેડા (વિલની પત્ની)ની તબીબી હાલત વિશેની મજાક મારાથી સહન થઈ શકી નહોતી અને લાગણીના આવેશમાં આવીને મેં પ્રતિક્રિયા આપી હતી.’ વિલ સ્મિથે ઓસ્કર એવોર્ડ વિતરણ કાર્યક્રમના આયોજકોની પણ સાથોસાથ માફી માગી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસ રોકે વિલ સ્મિથની અભિનેત્રી પત્ની જેડા પિંકેટ-સ્મિથનાં ટાલવાળાં માથા વિશે મજાક કરી હતી. વાસ્તવમાં, જેડાને એલોપેશિયા નામની બીમારી છે જેને કારણે એમનાં માથાનાં વાળ ખરી પડ્યાં છે.

સ્મિથના થપ્પડ પ્રકરણને આયોજક એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસે હળવાશથી લીધું નથી. તેણે સોમવારે જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે કોઈ પણ પ્રકારની હિંસાની માફ કરતું નથી. એવી જ રીતે, લોસ એન્જેલીસ પોલીસ વિભાગે પણ કહ્યું છે કે ઓસ્કર એવોર્ડ્સ વિતરણ કાર્યક્રમમાં બે વ્યક્તિ વચ્ચે થયેલી હિંસાના બનાવની અમને જાણ છે. પરંતુ વ્યક્તિ (ક્રિસ રોક)એ ફરિયાદ નોંધાવી નથી. તે છતાં જો એ ભવિષ્યમાં પણ ફરિયાદ નોંધાવશે તો અમે આ કેસમાં તપાસ શરૂ કરીશું.

(ઈન્સ્ટાગ્રામ પર વિલ સ્મિથનો માફી પત્ર)