નવી દિલ્હીઃ સુપરસ્ટાર અક્ષય કુમાર સહિત બોલીવૂડના અમુક કલાકારોએ જીવલેણ એવા કોરોના વાઈરસના જાગતિક રોગચાળા સામે ભારત દેશે પણ આદરેલા જંગના સંદર્ભમાં બનાવેલું એક વિડિયો-ગીત ઈન્ટરનેટ પર વાયરલ થયું છે. આ ગીતનું શીર્ષક છે ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ગીત બહુ પસંદ પડ્યું છે. એમણે તેને પોતાના ટ્વિટર હેન્ડલ પર ગીતને શેર કર્યું છે અને હિન્દીમાં લખ્યું છે કે, ”ફિર મુસ્કુરાયેગા ઈન્ડિયા… ફિર જીત જાયેગા ઈન્ડિયા.’ એમણે અંગ્રેજીમાં લખ્યું છે કે, ઈન્ડિયા વિલ ફાઈટ, ઈન્ડિયા વિલ વિન (ભારત લડશે, ભારત જીતશે). આપણા ફિલ્મજગત દ્વારા આ સરસ પહેલ છે.’
અક્ષય કુમાર ઉપરાંત આ ગીતમાં વિકી કૌશલ, ભૂમિ પેડણેકર, ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન, કૃતિ સેનન, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકી ભગનાની, કિયારા અડવાની, તાપસી પન્નુ, રકુલ પ્રીત સિંહ, અનન્યા પાંડે, આર.જે. મલિષ્કા અને ક્રિકેટર શિખર ધવને પણ ભાગ લીધો છે.
આ ગીતના નિર્માતા અને એરેન્જર વિશાલ મિશ્રા છે. ગાયક પણ એ પોતે જ છે અને સંગીત પણ એમણે જ પીરસ્યું છે. ગીતનાં શબ્દો કૌશલ કિશોરે લખ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે કોરોના વાઈરસને વધારે ફેલાતો રોકવા માટે ગઈ 25 માર્ચથી 21-દિવસ માટે દેશવ્યાપી લોકડાઉન ઘોષિત કરી દીધું છે. આને કારણે આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય પૂરી પાડવા સિવાય તમામ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે, દેશભરમાં ટ્રેન સેવા અને વિમાન સેવા પણ બંધ છે. ધાર્મિક સ્થળો ખાતે કે અન્ય કોઈ પણ સ્થળે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકાયો છે. લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવાની અને બહાર રસ્તા પર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. રસ્તાઓ પર પોલીસોનો કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. આ કડક લોકોડાઉનની સ્થિતિને કારણે ગરીબ મજૂરો, કામદારો, બેઘર લોકોની હાલત બહુ કફોડી થઈ ગઈ છે.
લોકોનો જુસ્સો વધારવા માટે ફિલ્મી હસ્તીઓએ આ ગીત બનાવ્યું છે.