મિસ યૂનિવર્સ-2023: બિકિની રાઉન્ડમાં પાકિસ્તાની મોડેલે પહેરેલો ડ્રેસ જોયો?

સેન સેલ્વાડોર (એલ સેલ્વાડોર): હાલમાં જ આ શહેરમાં 72મી ‘મિસ યૂનિવર્સ-2023’ સૌંદર્ય સ્પર્ધા યોજાઈ ગઈ. એમાં નિકારાગ્વાની શેન્નિસ પલાસિયોસ વિજેતા બની. દુનિયાભરની સુંદર યુવતીઓને હરાવીને શેન્નિસ તાજ જીતી ગઈ. આ સ્પર્ધામાં પહેલી જ વાર પાકિસ્તાનની મોડેલે ભાગ લીધો હતો. સ્વિમસૂટ રાઉન્ડમાં બિકિનીને બદલે તેણે પહેરેલો ડ્રેસ સૌનું ધ્યાન આકર્ષિત કરી ગયો હતો.

પાકિસ્તાનની મોડેલ એરિકા રોબિન બિકિની રાઉન્ડમાં બિકિનીને બદલે એક લાંબોલચક ડ્રેસ પહેરીને રેમ્પ પર હાજર હતી. આ ડ્રેસને બુર્કિની કહે છે. આ બુરખા ટાઈપની બિકિની છે. એટલે કે બુરખા અને બિકિનીનું કોમ્બિનેશન છે. એરિકાની બુર્કિની આછા ગુલાબી રંગની હતી. રેમ્પ પર તે જેવી આ ડ્રેસ પહેરીને ઉતરી કે એને જોઈને જજીસને આઘાત લાગ્યો હતો, પણ એરિકાએ જે આત્મવિશ્વાસપૂર્વક શો કર્યો હતો તે જોઈને જજીસ અને આમંત્રિત દર્શકોને આશ્ચર્ય થયું હતું. એરિકા રોબિન પાકિસ્તાનની ખ્રિસ્તી સમુદાયની યુવતી છે. વસ્તી ગણતરી અનુસાર, પાકિસ્તાનમાં માત્ર 1 ટકો જ ખ્રિસ્તી લોકો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈસ્લામ ધર્મને વરેલો દેશ છે. અહીં જાહેરમાં બિકિની પહેરવાની મુસ્લિમ સ્ત્રીઓને પરવાનગી નથી. બુર્કિની ડ્રેસમાં સ્ત્રીનું આખું શરીર ઢંકાયેલું રહે છે. માત્ર ચહેરો, હાથ અને પગ જ દેખાય છે.

‘મિસ યૂનિવર્સ-2023’માં ભારતની શ્વેતા શારદાએ ભાગ લીધો હતો. તે ચંડીગઢની રહેવાસી છે.