મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે સ્થાપેલી ઓનલાઈન ડાન્સ એકેડેમીએ આગામી નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવા મફત ગરબા વર્ગો યોજવાની જાહેરાત કરી છે. માધુરીની ‘ડાન્સ વિથ માધુરી એકેડેમી’ આ મફત ગરબા વર્ગોનું ઓનલાઈન આયોજન કરશે. તાલીમાર્થીઓને શ્રેષ્ઠ કોરિયોગ્રાફર્સ દ્વારા ક્લાસિક ગરબા સ્ટેપ્સ શીખડાવવામાં આવશે.
માધુરીએ તેની આ ગરબા ઝુંબેશ વિશે કહ્યું છે કે, નવરાત્રી આવી રહી છે. લોકો ગરબા રમવા ઉત્સૂક બન્યાં છે. પરંતુ કોરોનાવાઈરસ રોગચાળો હજી સમાપ્ત થયો નથી. લોકો નવરાત્રીની ઉજવણી ચૂકી ન જાય તે માટે ડાન્સ વિથ માધુરી એકેડેમીએ એક મંચ પૂરું પાડવાનું નક્કી કર્યું છે જ્યાં લોકો એમનાં ઘરમાં જ સુરક્ષિત રહીને શ્રેષ્ઠ માર્ગદર્શન હેઠળ ગરબા રમવા અને ગરબા શીખવાનો આનંદ ઉઠાવી શકે છે.
દર્શકો ડાન્સ સ્પર્ધામાં ભાગ પણ લઈ શકે છે. શ્રેષ્ઠ 9 એન્ટ્રી પરફોર્મન્સ રજૂ કરનારાઓનાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર 7-14 ઓક્ટોબર સુધી દરરોજ એક-એક ડાન્સ ફીચર પ્રદર્શિત કરવામાં આવશે અને માધુરી ડાન્સ એકેડેમીનું મફત લવાજમ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે. એક ગ્રાન્ડ વિજેતાને માધુરી દીક્ષિતનાં સ્વરનો વિડિયો સંદેશ આપવામાં આવશે.