માનહાનિનો દાવોઃ અનુષ્કા-વિરાટ માફી માગે એવી કચરો ફેંકનાર અરહાન સિંહની માગણી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વિડિયો ગયા અઠવાડિયે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. એ વિડિયો અનુષ્કાનાં ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. પરંતુ એ હવે એ વિડિયોએ સેલિબ્રિટી કોહલી દંપતી માટે મુસીબત ઊભી કરી દીધી છે.

એ વિડિયોમાં અનુષ્કા પોતાની કારમાંથી એક અન્ય કારમાં બેઠેલા એક જણને ઠપકો આપે છે કે તમે આ રીતે કારમાંથી રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો નાખી ન શકો. એ માણસનું નામ અરહાન સિંહ હોવાનું બહાર આવ્યું હતું જ્યારે એણે અનુષ્કાના ઠપકાથી નારાજ થઈને પોતાના ફેસબુક પેજ પર વાંધો ઉઠાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર અરહાનના માતાએ પણ પોતાનાં પુત્રને આ રીતે જાહેરમાં ઠપકો આપવા બદલ વિરાટ અને અનુષ્કાની ટીકા કરી હતી. માતા-પુત્રનું કહેવું છે કે અનુષ્કા અને વિરાટે અરહાનને બદનામ કરી દીધો છે.

અરહાન સિંહે કારમાંથી કચરો ફેંકવા બદલ પોતાની બેદરકારી બદલ માફી માગી છે, પણ એનું કહેવું છે કે પોતાને કહેતી વખતે અનુષ્કાએ નમ્રતા રાખવી જોઈતી હતી.

અહેવાલો અનુસાર, અરહાન સિંહે અનુષ્કા અને વિરાટને માનહાનિ માટે કાયદેસર નોટિસ મોકલી છે. એણે આ નોટિસમાં એવી માગણી કરી છે કે દંપતી પોતાની માફી માગે.

અનુષ્કા અને વિરાટે હજી સુધી લીગલ નોટિસનો જવાબ આપ્યો નથી.

શું તમે એ વિડિયો જોવાનું ચૂકી ગયા છો? તો આ જુઓ…