દૂધ ચડાવનારાઓ પર કવિતા કૌશિક ભડકી ગઈ

મુંબઈઃ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં એક સ્થળે બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદનાં કેટલાક પ્રશંસકોએ સોનૂના એક ફોટા પર તપેલાં ભરીને દૂધ રેડીને (દૂધનો અભિષેક કરીને) એના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આવું કરનારાઓ પર અભિનેત્રી કવિતા કૌશિક ગુસ્સે થઈ છે. ‘FIR’ ટીવી સિરિયલ, ‘એક હસીના થી’ ફિલ્મની અભિનેત્રી અને ટીવી રિયાલિટી શૉ ‘બિગ બોસ 14’ની સ્પર્ધક કવિતાએ પ્રત્યાઘાતમાં કહ્યું છે કે, ‘આ તો વેડફાટ કહેવાય.’

કવિતાએ સોનૂના ફોટા પર દૂધ રેડતા લોકોનો વિડિયો પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને આવું કરનારાઓની ઝાટકણી કાઢી છે. એણે સવાલ કર્યો છે કે, ‘આપણે લોકો કાયમ આવું વધુપડતું શા માટે કરીએ છીએ? આપણને સોનૂ સૂદ પ્રત્યે માન છે અને તે જે નિસ્વાર્થભાવે સેવા બજાવે છે એ બદલ દેશ એનો ઋણી રહેશે, પરંતુ મને ખાતરી છે કે ઘણા લોકો ભૂખથી મરી રહ્યા છે ત્યારે આવી મૂર્ખતાભરી હરકત કરનારાઓ અને દૂધનો વેડફાટ કરનારાઓ સામે ખુદ સોનૂ પણ નારાજ થયો હશે… આપણે દર વખતે આટલું બધું કરવાની શું જરૂર છે?’

જોકે પોતાના ફોટા પર દૂધ રેડતા લોકોનો વિડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને સોનૂએ લખ્યું છેઃ ‘વિનમ્ર છું.’