મુંબઈઃ બોલીવૂડની સુપરસ્ટાર અભિનેત્રી કરીના કપૂર-ખાન હવે લેખિકા બનવાની છે. એ ગર્ભાધાન વિશે વ્યાપક માર્ગદર્શન અને ટિપ્સ આપતું એક પુસ્તક લખવાની છે. તેણે આ જાણકારી એનાં પુત્ર તૈમુર અલીના આજે ચોથા જન્મદિવસે એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. આ પુસ્તક જુગરનોટ બુક્સ કંપની પ્રકાશિત કરશે. પુસ્તકનું શિર્ષક છે ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઈબલ.’ આ પુસ્તક આવતા વર્ષે પ્રકાશિત થશે. ઉલ્લેખનીય છે કે કરીના હાલ બીજી વાર ગર્ભવતી બની છે. તે અને એનો અભિનેતા પતિ સૈફ અલી ખાન એમનાં બીજા સંતાનના જન્મની રાહ જોઈ રહ્યાં છે.
40 વર્ષીય કરીનાએ સોશિયલ મિડિયા પરની પોસ્ટમાં ગર્ભવતી તેમજ ગર્ભાધાન કરવા ઈચ્છતી સ્ત્રીઓને ઉદ્દેશીને કહ્યું છે કે, ‘ગર્ભાવસ્થા એક કુદરતી પ્રક્રિયા છે એવું હું માનું છું. જે દરમિયાન આપણે સક્રિય, સ્વસ્થ અને ખુશ રહેવું જોઈએ. આ પુસ્તકમાં હું આપને દર્શાવીશ કે મેં પોતે મારું ગર્ભધારણ કઈ રીતે સંભાળ્યું છે અને હું આપને એ જાણકારીથી વાકેફ કરીશ, જે તમારા માટે ખુશ રહેવા માટે આવશ્યક છે. હું એવું પુસ્તક તૈયાર કરવા માગું છું જે અન્ય મહિલાઓ માટે મદદરૂપ થશે અને એમનું માર્ગદર્શન પણ કરશે.’