ડ્રગ્સ-કેસમાં નામ આવતાં સારાને ‘હીરોપંતી-2’ ગુમાવવી પડી

મુંબઈઃ તેજસ્વી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના વિવાદાસ્પદ મૃત્યુ કેસ સાથે સંકળાયેલા બોલીવૂડ ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનું નામ ચમકતાં આ અભિનેત્રીને નુકસાન ગયું છે. ‘હીરોપંતી 2’ ફિલ્મમાંથી એને પડતી મૂકવામાં આવી છે. આ ફિલ્મનો હીરો ટાઈગર શ્રોફ છે અને દિગ્દર્શક એહમદ ખાન છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ સારાને પૂછપરછ માટે બોલાવી હતી અને એનાં મોબાઈલ ફોનને પણ એમાંની ચેટ્સ, વિડિયોઝ જેવી વિગતો મેળવવા માટે હાલ જપ્ત કર્યો છે. સારાને જો પડતી મૂકવામાં આવી ન હોત તો દર્શકોને પડદા પર તેની અને ટાઈગર શ્રોફની જોડી પહેલી જ વાર જોવા મળી હોત.

સારાની જગ્યાએ હવે તારા સુતરિયાને કરારબદ્ધ કરવામાં આવી છે જે ટાઈગર સાથે અગાઉ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં કામ કરી ચૂકી છે. તારાને સાઈન કરવાનો આગ્રહ ટાઈગર શ્રોફે જ નિર્માતાઓને કર્યો હતો. 2014માં આવેલી ‘હીરોપંતી’માં ટાઈગરની હીરોઈન કૃતિ સેનન હતી. બંનેની કારકિર્દીની એ પહેલી જ ફિલ્મ હતી. સારા જોકે તેની બે આગામી ફિલ્મ માટે મહેનત કરી રહી છે. 25 ડિસેમ્બરે તેની ‘કૂલી નંબર 1’ આવી રહી છે, જેમાં તેનો હીરો વરુણ ધવન છે જ્યારે ‘અતરંગી રે’ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે જેમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]