મુંબઈઃ પોતાના અત્રેના નિવાસસ્થાનને કોરોનાવાઈરસ ચેપી બીમારીનું હોટસ્પોટ ગણાવતા અમુક અખબારી અહેવાલો સામે બોલીવુડ નિર્માતા કરણ જોહરે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘આઠ જણ ભેગા થાય એને કંઈ પાર્ટી ન કહેવાય. મેં, મારા પરિવારજનોએ અને મારા ઘરમાંના દરેક જણે RTPCR ટેસ્ટ કરાવ્યા છે અને બધાયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વાસ્તવમાં મેં સલામતીને ખાતર બે વાર ટેસ્ટ કરાવ્યું હતું અને બંને વાર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આપણા શહેરની સલામતીનું ધ્યાન રાખવા બદલ હું મુંબઈ મહાનગરપાલિકાની સરાહના કરું છું. એમને સલામ કરું છું.’
ઉલ્લેખનીય છે કે, કરણ જોહરના ઘરમાં યોજાયેલા એક મિલન કાર્યક્રમમાં હાજરી આપનાર કરીના કપૂર-ખાન, અમ્રિતા અરોરા, મહીપ કપૂર અને સીમા ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ અમુક અખબારી અહેવાલોએ જોહરના ઘરને કોરોનાના હોટસ્પોટ તરીકે ઓળખાવ્યું છે.
