‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂરનો પહેલો લુક બહાર પડાયો

નવી દિલ્હીઃ ફિલ્મનિર્માતા અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’ના પહેલા ભાગની રાહ પૂરી થઈ છે, કેમ કે બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ગઈ કાલે મંગળવારે ફિલ્મના મોશન પોસ્ટરનું ટીઝર શેર કર્યું હતું. બિગ Bએ ઇન્સ્ટાગ્રામ પર શાનદાર સ્પેશિયલ ઇફેક્ટસની સાથે મોશન પોસ્ટર એનાઉન્સમેન્ટ વિડિયો શેર કર્યો હતો. એની કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે ‘બ્રહ્માસ્ત્ર’ને વિશ્વની સાથે વહેંચવાનો અમારો પ્રવાસ છેવટે શરૂ થઈ રહ્યો છે…પ્રેમ…લાઇટ…ફાયર…

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, અયાન નાયક અને નાગાર્જુન જેવા એક્ટર છે. આ ફેન્ટસીની સુપર હિટ ફિલ્મ ત્રણ વર્ષથી બની રહી છે, પણ કોઈ કારણસર એ વિલંબિત થઈ છે.

ફિલ્મનિર્માતા કરણ જૌહરે ‘બ્રહ્માસ્ત્ર’ને ઓક્ટોબર, 2017માં બનાવવાની ઘોષણા કરી હતી. એ પછી આ ફિલ્મ ઓગસ્ટ, 2019માં રિલીઝ થવાની હતી અને એ પછી 2020ના ઉનાળામાં રજૂ થવા માટે સ્થગિત કરવામાં આવી હતી. એ પછી આ ફિલ્મ ડિસેમ્બર, 2020માં રિલીઝ થવાની હતી, પણ કોરોના રોગચાળાને કારણે શૂટિંગમાં વિલંબ થતાં એને વધુ સમય માટે ઠેલવામાં આવી હતી. જોકે હવે પરિસ્થિતિમાં સુધારો થતા ફિલ્મ આવતા વર્ષે નવ સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવશે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી અયાન ઇન્સ્ટાગ્રામ પર ‘બ્રહ્માસ્ત્ર’ વિશે કેટલીક ટિપ્પણી કરી રહ્યો છે, જેથી ફિલ્મના ચાહકોમાં એ વિશે ઉત્સુકતા વધી હતી.

મલ્ટિસ્ટારર આ એક્શન-ફેન્ટસી ડ્રામા ફિલ્મને હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. ત્રણ ભાગવાળી આ ફિલ્મ અયાન મુખરજીની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. તેમણે ફિલ્મ બનાવવામાં છ વર્ષ લગાવ્યાં છે.