અકસ્માતમાં મહિલાનો જાન લેનાર કન્નડ ફિલ્મ અભિનેતાની ધરપકડ

બેંગલુરુઃ બેફામ સ્પીડમાં કાર હંકારીને એક દંપતીને કચડી નાખી, 48 વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજાવવા બદલ અને તેનાં 58 વર્ષીય પતિને ગંભીર રીતે જખ્મી કરવા બદલ કન્નડ ફિલ્મોના અભિનેતા નાગભૂષણ એસ.એસ.ની પોલીસે ધરપકડ કરી છે.

નાગભૂષણે આ અકસ્માત ગઈ કાલે રાતે શહેરના વસંતપુરા મેન રોડ પર કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, 48 વર્ષીય પ્રેમા અને એમનો પતિ કૃષ્ણા બી. ફૂટપાથ પર ચાલતાં જતાં હતાં ત્યારે નાગભૂષણની કાર એમની પર કાળ બનીને ત્રાટકી હતી. કારે ટક્કર મારતાં પતિ-પત્ની નીચે પટકાઈ ગયાં હતાં અને કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી.

રસ્તા પર ભેગાં થઈ ગયેલાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં પતિ-પત્નીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ મહિલાનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું જ્યારે એનો પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને જાણ થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને નાગભૂષણની ધરપકડ કરી હતી અને તેની કાર કબજામાં લીધી હતી. નાગભૂષણે અનેક કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. એ ખાસ કરીને કોમેડી રોલ ભજવતો આવ્યો છે.