કંગના ‘મણિકર્ણિકા’નું ફરી શૂટિંગ કરાવશે; નિર્માતાઓએ 20 કરોડ મંજૂર કર્યા

મુંબઈ – ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાંથી અભિનેતા સોનુ સૂદ ઓચિંતો ખસી જતાં એનાં પાત્રવાળા દ્રશ્યો તથા અન્ય દ્રશ્યોનું અભિનેત્રી કંગના રણૌત રૂ. 20 કરોડના ખર્ચે ફરી શૂટિંગ કરાવશે એવા અહેવાલો છે. ફિલ્મના મૂળ દિગ્દર્શક ખસી જતાં દિગ્દર્શનની જવાબદારી કંગનાએ પોતાનાં હાથમાં લીધી છે.

કંગનાનાં હાથ નીચે કામ કરવા સોનુ તૈયાર નહોતો એટલે એ ફિલ્મમાંથી ખસી ગયો હોવાના અહેવાલ છે.

કંગનાનાં દિગ્દર્શન હેઠળ ફિલ્મના મોટા ભાગના દ્રશ્યોનું ફરીથી શૂટિંગ કરાવવા માટે નિર્માતાઓ તૈયાર થયા છે અને એ માટે તેમણે રૂ. 20 કરોડનું અતિરિક્ત ફંડ મંજૂર પણ કર્યું છે.

ભૂતપૂર્વ દિગ્દર્શક ક્રિશે ફિલ્મના જે દ્રશ્યો શૂટ કરાવ્યા હતા એને કંગના ફરીથી શૂટ કરાવશે.

આને કારણે ફિલ્મનું શૂટિંગ 45 દિવસ લંબાઈ જશે.

કહેવાય છે કે, ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈનાં જીવનની અમુક ઘટનાઓ – જેમ કે, એમનાં લગ્ન તથા એમનું પ્રથમ સંતાનનું ગુમાવવું જેવા દ્રશ્યોનું શૂટિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને હવે તે ફરીથી શૂટ કરાશે.