‘સુઈ ધાગા’ના પાત્ર પર ઢગલાબંધ મીમ્સ: અનુષ્કાએ રમૂજને સકારાત્મક રીતે લીધી છે

મુંબઈ – વરુણ ધવન અને અનુષ્કા શર્મા અભિનીત ‘સુઈ ધાગા’ ફિલ્મ હજી રિલીઝ થઈ નથી પણ સોશિયલ મિડિયા નેટવર્ક્સ પર એ ઘણી રીતે છવાઈ ગઈ છે.

આજકાલ એ ફિલ્મમાં અનુષ્કાએ ભજવેલા પાત્ર મમતાને દર્શાવતાં અસંખ્ય રમૂજી મીમ્સ સોશિયલ મિડિયા પર લોકોમાં હાસ્યનાં મોજાં રેલાવી રહ્યાં છે અને એમાં અનુષ્કાની ખાસ્સી એવી મજાક ઉડાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ‘સુઈ ધાગા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. એમાં એક દ્રશ્ય છે, જેમાં તે એક નિરાશ વદને, સાધારણ સ્ત્રીનાં રૂપમાં બેઠી છે. સોશિયલ મિડિયાના મજાકીયા સ્વભાવના લોકો તો આ તસવીરને એમની રમૂજ તરીકે ઉપયોગમાં લેવા માંડ્યા છે.

અનુષ્કા શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘તેં ભજવેલા મમતાનાં પાત્રનાં આજકાલ ઘણાં મીમ્સ સોશિયલ મિડિયા પર વાયરલ થયા છે’ ત્યારે એણે એને ખૂબ સકારાત્મક રીતે લીધું અને કહ્યું કે ‘એ તો મારે મન અભિવાદન સમાન છે. મને તો આનંદ થાય છે કે માત્ર ટ્રેલર જોઈને જ લોકોનાં મનમાં મારું પાત્ર ઘર કરી ગયું છે.’

દેખીતી રીતે જ અનુષ્કાએ ઘણાં મીમ્સ જોયાં છે. એણે કહ્યું કે, ‘બધા મીમ્સ મને બહુ રમૂજી લાગ્યાં છે. હું ઘણાં મીમ્સ ફિલ્મમાં મારાં સહ-કલાકાર વરુણ, દિગ્દર્શક શરત કટારિયા તથા અન્ય મિત્રોને શેર પણ કરી રહી છું.’

એક સૌથી વધુ હાસ્ય ઉપજાવનાર મીમમાં રસ્તા પર કાકડીના ઢગલા પાસે અનુષ્કાની ફિલ્મી તસવીર મૂકીને એવું લખ્યું છે કે, ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ સામે પતિ વિરાટ કોહલીની ટીમની હારથી નિરાશ થયેલી અનુષ્કા હવે વિરારમાં કાકડી વેચી રહી છે.

‘સુઈ ધાગા’ ફિલ્મ 28 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.

(જુઓ અનુષ્કાનાં પાત્રને રમૂજી રીતે રજૂ કરતા અમુક મીમ્સ)

“બહુ ટ્રોલ થતાં નારાજ થઈને દેશ છોડીને જતી અનુષ્કા’

રામ મંદિરના કાર્યક્રમના પ્રચાર માટે વડા પ્રધાન પદની હવે પછીની ઉમેદવાર અનુષ્કા શર્મા UNની બેઠકમાં