ચેન્નાઈઃ વર્તમાનમાં હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક, કંગના રણોતની નવી બહુભાષીય ફિલ્મ ‘થલાઈવી’નું ટ્રેલર આજે એનાં 34મા જન્મદિવસે અહીં ખાસ સમારંભમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ સમારંભમાં કંગના જોકે ભાવુક થઈ ગઈ હતી અને એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. ફિલ્મના દિગ્દર્શક એ.એલ. વિજય વિશે બોલતી વખતે એ રડી પડી હતી અને કહ્યું, ‘તે એવા શખ્સ છે, જેમણે મને મારી અભિનય-કાબેલિયત વિશે એવું કહ્યું જેનાથી મને ઘણું સારું લાગ્યું. આ પહેલાં મને ક્યારેય એવા શખ્સ મળ્યા નહોતા જેમણે મારા અભિનય વિશે મને ખરાબ લાગ્યું ન હોય. વિજય પાસેથી મને શીખવા મળ્યું કે પોતાનાં કલાકારો સાથે કેવો વર્તાવ કરવો જોઈએ અને રચનાત્મક ભાગીદારીને કેવી રીતે આગળ વધારવી જોઈએ. મને પોતાને બબ્બર શેરની માનું છું, કારણ કે હું ક્યારેય રડતી નથી. હું કોઈને એવો મોકો જ નથી આપતી કે કોઈ મને રડાવી શકે. છેલ્લે હું ક્યારે રડી હોઈશ એ યાદ નથી. પણ આજે રડી પડી અને રડીને સારું લાગ્યું.’
‘થલાઈવી’નું ટ્રેલર સોશિયલ મિડિયા પર હિટ થયું છે. અસંખ્ય લોકોએ એને પસંદ કર્યું છે. આ ફિલ્મ સ્વર્ગસ્થ તામિલ અભિનેત્રી અને તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનાં જીવન પર આધારિત છે. ફિલ્મમાં એમની ભૂમિકા કંગનાએ ભજવી છે. જયલલિતાની ફિલ્મી સફરથી લઈને રાજકારણ સુધીની સફરને ફિલ્મમાં બતાવવામાં આવી છે. જયલલિતાનાં માર્ગદર્શક રહેલાં એમ.જી. રામચંદ્રનનો રોલ અરવિંદ સ્વામીએ કર્યો છે. તામિલમાં ફિલ્મનું નામ ‘થલાઈવી’ અને હિન્દીમાં ‘જયા’ રાખવામાં આવ્યું છે. ફિલ્મ આવતી 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, કંગનાએ હજી ગઈ કાલે જ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. એને બે ફિલ્મ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે – ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી’ અને ‘પંગા’.