‘હું મજબૂત છું’: ED-કાર્યવાહી બાદ જેક્લીનની પોસ્ટ

મુંબઈઃ ખંડણી પ્રકરણમાં હાલ દિલ્હીની તિહાર જેલમાં પૂરવામાં આવેલા સુકેશ ચંદ્રશેખર સાથે કથિત સંબંધો ધરાવવા બદલ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ હાલ વિવાદમાં છે. રૂ. 215 કરોડના ખંડણી પ્રકરણમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ જેક્લીનને આરોપી જાહેર કરી છે. આરોપનામામાં એજન્સીએ જેક્લીનનું નામ પણ દર્શાવ્યું છે. આને કારણે જેક્લીનની મુસીબત વધી ગઈ છે.

હવે જેક્લીને Sheroxworld નામના એક ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ મૂકી છે જેમાં એણે લખ્યું છેઃ ‘હું શક્તિશાળી છું. હું જેવી પણ છું એવી મેં સ્વયંને સ્વીકારી લીધી છે. બધું ઠીક થઈ જશે. હું મજબૂત છું. એક દિવસ હું મારું લક્ષ્ય હાંસલ કરીશ અને સપનું સાકાર કરીશ.’

સુકેશ બેંગલુરુનિવાસી એક ઉદ્યોગપતિ છે. એણે જેક્લીનને મોંઘીદાટ મોટરકાર, ઈમ્પોર્ટેડ જિમ વેર, પગરખાં, રોલેક્સ ઘડિયાળ, પાંચ ઈમ્પોર્ટેડ બેગ, હર્મ્સ બ્રાન્ડની બંગડીઓ, 15 જોડી ઈયરિંગ્સ, એલી બેગ, પાલતુ પ્રાણી જેવી અનેક ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી. એટલું જ નહીં, એણે જેક્લીનની માતાને એક લાખ 80 હજાર ડોલરની કિંમતની પોર્શ કાર ભેટ આપી હતી. આને કારણે જ તપાસ એજન્સી ઈડીએ જેક્લીનને સમન્સ મોકલ્યું હતું. સુકેશે અનેક જણને નોકરી અપાવવાની લાલચ આપીને ફસાવ્યાં છે. લગભગ 75 જણ પાસેથી 100 કરોડ જેટલા રૂપિયા મેળવી, એમને ઠગીને એ ફરાર થઈ ગયો હતો.