નવી દિલ્હીઃ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’નો 21માં દિવસે પણ બોક્સઓફિસ પર દબદબો છે. આ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લેતી. એની આગળ ‘બેબી જોન’ અને ‘મુફાસા’ જેવી ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ એની કમાણી પર આ ફિલ્મની રિલીઝની કોઈ અસર નથી પડી, પણ આ ફિલ્મોની કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે.
હવે આવામાં ‘પુષ્પા 2’એ બોક્સ ઓફિસ પર એક વધુ ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે દેશમાં રૂ. 1100 કરોડની કમાણી કરનાર પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. સૈકનિકના રિપોર્ટ અનુસાર ‘પુષ્પા 2’ ભારતમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. ફિલ્મને ક્રિસમસનો ફાયદો મળ્યો છે અને અત્યાર સુધીમાં ફિલ્મે ભારતમાં કુલ 1109.85 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે હિન્દીમાં રૂ. 716.65 કરોડની કમાણી કરી છે.
‘પુષ્પા 2’એ ઓપનિંગ ડે પર હિન્દીમાં શાહરુખ ખાનની જવાનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 70 કરોડનો બિઝનેસ કરીને રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. આ મુવીએ પહેલી વીકએન્ડ પર રૂ. 500 કરોડથી વધુનું કલેક્શન પણ કરી લીધું હતું. એણે પહેલા જ વીકમાં રૂ. 725.8 કરોડની કમાણી કરી લીધી હતી અને હિન્દીમાં રૂ. 425.1 કરોડનું કલેક્શન પણ કરી લીધું હતું.
‘પુષ્પા 2’ને લઈને વિરોધાભાસ
‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુન પણ એક વિવાદમાં ફસાયેલો છે. અલ્લુ અર્જુનની હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાના મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી તેને જામીન મળી ગયા. જોકે ઓર્ડર મોડો આવતાં અભિનેતાને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. અલ્લુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘પુષ્પા 2’ની ટીમે પીડિત પરિવારને મદદ તરીકે 2 કરોડ રૂપિયા આપ્યા છે. અલ્લુએ 1 કરોડની સહાય કરી છે, મૈત્રી મૂવી મેકર્સ દ્વારા 50 લાખ અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર દ્વારા 50 લાખ આપવામાં આવ્યા છે.