વિદેશી ધરતી પર જુદા જુદા પ્રતિષ્ઠિત ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાતા રહે છે. હવે ગુજરાતી ફિલ્મોનો આગવો ત્રિદિવસીય ‘ઈન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ’ (આઈજીએફએફ) સૌપ્રથમ વખત અમેરિકાના ન્યુ જર્સીમાં સિનેમેન્સ મૂવી સિટી ખાતે આગામી ત્રણ-ચાર અને પાંચ ઓગસ્ટે યોજાનાર છે. ટૂંકમાં: થ્રી-ડે, થ્રી-સ્ક્રીન, થ્રી-ડાયમેન્શન.
આઈજીએફએફનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સિનેમા અને ગુજરાતી સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો તેમ જ ફિલ્મનિર્માતા અને કલાકારો માટે સિનેમેટિક જ્ઞાનના આદાન-પ્રદાનનો છે.
એનું આયોજન મુંબઈના જાણીતા ઈવેન્ટ મૅનેજર રોસ્ટ્રમ મિડિયાના કૌશલ આચાર્યએ કર્યું છે. ફેસ્ટિવલ માટે પસંદ થયેલી ફિલ્મો અને ફેસ્ટિવલની જાણકારી આપવા માટે ૧૨ જૂને અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજાઈ ગઈ.
એમાં હાજર રહેલા ઉમેશ શુક્લ આ ફેસ્ટિવલના ડિરેક્ટર છે. એ જાણીતા નાટ્યલેખક-અભિનેતા અને હિંદી ફિલ્મ ‘ઑહ માય ગોડ’, ‘ઑલ ઈઝ વેલ’ અને હમણાં રજૂ થયેલી અમિતાભ બચ્ચન-રિશી કપૂર અભિનીત ‘૧૦૨ નૉટ આઉટ’ના દિગ્દર્શક છે. એમણે કહ્યું કે અમને પચ્ચીસ ફીચર ફિલ્મ, પાંચ શૉર્ટ ફિલ્મ અને ચાર ડોક્યુમેન્ટરી – એમ કુલ ૩૪ ફિલ્મની ફિલ્મ ફ્રી-વે પર ઑનલાઈન ઍન્ટ્રી મળી હતી, જેમાંથી અમે પાંચ નિષ્ણાતની જ્યુરીએ કુલ ૨૩ ફિલ્મ પસંદ કરી હતી, જે ન્યુ જર્સી ખાતે ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે. સમાપન દિવસે ખાસ સમારંભમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત ૧૫ કૅટેગરીના વિજેતાને આઈજીએફએફ એવૉર્ડ એનાયત થશે.
ફેસ્ટિવલ આયોજક કૌશલ આચાર્ય કહે કે ફેસ્ટિવલ ડિરેકટર ઉમેશ શુક્લ, ગુજરાતી-હિંદી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી અરુણા ઈરાની, જાણીતા લેખક-વક્તા જય વસાવડા, લોસ એન્જલિસસ્થિત ફિલ્મલેખક-દિગ્દર્શક અનુરાગ મહેતા અને ન્યુ જર્સીસ્થિત ગુજરાતી નાટ્યલેખક-નવલકથાકાર મધુ રાય એમ પાંચ નિષ્ણાતની જ્યુરીએ પારદર્શક નિર્ણય માટે આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ સ્વતંત્ર રીતે ફિલ્મ જોઈ લીધી છે.
જ્યુરી અને જાણીતા લેખક-વક્તા જય વસાવડાએ જણાવ્યું કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. એમની નવી પેઢીને ગુજરાતી સિનેમા અને સંસ્કૃતિનો પરિચય કરાવવા આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે.
ઉમેશ શુક્લએ ખૂબ સરસ વાત કરી. એ કહે કે અમેરિકામાં ઘણા ફિલ્મમેકર, કલાકારો-કસબીઓ છે. એ ગુજરાતી ફિલ્મો માટે સારું યોગદાન આપી શકે એ માટે ફેસ્ટિવલમાં જુદી જુદી વર્કશૉપ યોજાશે.
પરિષદમાં ફેસ્ટિવલ માટે પસંદ થયેલી ફિલ્મોના નિર્માતા-નિર્દેશકોએ ગુજરાતી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાના પ્રથમ પ્રયાસને બિરદાવીને ખુશી વ્યક્ત કરી હતી.
કૌશલભાઈ આચાર્ય ‘ચિત્રલેખા’ને કહે છે કે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય એ જ દિવસે અમેરિકામાં પણ રિલીઝ થાય એવું ફિલ્મ રિલીઝનું ગ્લોબલ નેટવર્ક ગોઠવવા અમે સંનિષ્ઠ પ્રયત્ન કરીશું, જે ફિલ્મસર્જકો માટે આર્થિક લાભદાયી બનશે તેમ જ એનઆરઆઈ ફિલ્મરસિકો પણ મનોરંજનદાયી બનશે.
ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી ફિલ્મો:
(૧) ફીચર ફિલ્મ: ભંવર, ચલ મન જીતવા જઈએ, ગુજ્જુ ભાઈ મોસ્ટ વૉન્ટેડ, હેરા ફેરી ફેરા ફેરી, કરસનદાસ, લવની ભવાઈ, ઑક્સિજન, પપ્પા તમને નહીં સમજાય, રતનપુર, રેવા, સુપરસ્ટાર, શરત લાગુ, ચિત્કાર. (૨) સ્પેશિયલ સ્ક્રીનિંગ (ફીચર ફિલ્મ): કલર ઑફ ડાર્કનેસ, ધાડ, ઢ. (૩) ડોક્યુમેન્ટરી: ખમ્મા ગીર ને, બેહેરૂપી, મહાગામિત સુનીતા. (૪) શૉર્ટ ફિલ્મ: રમતગમત, ૯૦ સેકન્ડ્સ, ડાયરી, સેલ્ફી ઈન પર સે. |
અહેવાલ – મહેશ શાહ (અમદાવાદ)