મારે હોલીવૂડની ફિલ્મમાં કામ કરવું છેઃ કાજોલ

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કાજોલે હાલમાં જ ડિઝની-પિક્સરની ફિલ્મ ‘ઈનક્રેડિબલ્સ 2’ની હિંદી આવૃત્તિ માટે ડબિંગ કર્યું છે.

‘ઈનક્રેડિબલ્સ 2’ના સ્ત્રી પાત્ર ‘હેલન પાર – ઈલાસ્ટીગર્લ’ માટે કાજોલે પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની હિંદી આવૃત્તિનું ડબિંગ કર્યા બાદ કાજોલ હોલીવૂડની ફિલ્મોથી વધુ પ્રભાવિત થઈ છે. તેણે આઈએએનએસ સમાચાર સંસ્થાને કહ્યું કે, ‘હું પશ્ચિમી દુનિયામાં મારા માટે તકો શોધવા તેમજ હોલીવૂડની ફિલ્મોમાં કામ કરવા માંગુ છું.’

હોલીવૂડની ફિલ્મો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં તેણે કહ્યું ‘હોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાનું મને બહુ ગમશે. જો કે ત્યાંની ફિલ્મોની પસંદગી વિશે મેં કોઈ શૈલી વિચારી નથી રાખી. છતાં પટકથા આકર્ષક મળી જાય તો પણ મારી શરતો તો એ જ હશે જે હિન્દી ફિલ્મો માટે હું રાખતી આવી છું.’

કાજોલે અજય દેવગન સાથે 1999માં લગ્ન કર્યાં. એમને બે સંતાન છે – દિકરી ન્યાસા અને પુત્ર યુગ. કાજોલની હિટ બોલીવૂડ મુવીઝ છેઃ ‘કરન-અર્જુન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘ઈશ્ક’, ‘દુશ્મન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’.

ફિલ્મ ‘ઈનક્રેડિબલ્સ 2’ માં કાજોલના ડબિંગ માટે બાળકો ઘણા ખુશ હતા. અને આ ફિલ્મને લઈને તેઓ અતિ ઉત્સાહિત છે. કારણ કે, આ મુવી તેમને એમની માતા સાથે અન્ય સહુ કરતાં પહેલાં જોવા મળશે. આ જ વાત તેમના માટે વધુ મહત્વની છે.

કાજોલનું કહેવું છે, ‘કોઈ પણ સુપરહીરો મુવી લો. પછી તે એવેન્જર્સ-ઈન્ફિનિટી વોર હોય, સ્પાઈડર-મેન, આયર્ન મેન કે વન્ડર વુમન હોય, એ દરેક મુવી બોક્સ-ઓફિસ પર હિટ થતી હોય છે. અને ડિજીટલ જમાનામાં તો સુપર હીરોઝની લોકપ્રિયતા વધી ગઈ છે. હવે લોકો એનિમેટેડ મુવી વિશેની અતથી ઇતિ સુધીની જાણકારી મેળવતા થયા છે જે પહેલા નહોતી મળતી. અને તેથી લોકોને હોલીવૂડની ફિલ્મો તેમજ તેની ભાષા હવે બહુ જ સ્વાભાવિક લાગે છે.’  એવું બાળપણમાં સુપરમેનની જબરદસ્ત પ્રશંસક રહેલી કાજોલે જણાવ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]