સુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મની રિલીઝને રોકવા માટે સદ્દગત અભિનેતાના પિતા કૃષ્ણકિશોરસિંહે નોંધાવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. પોતાના પુત્રના જીવ પર આધારિત સૂચિત ફિલ્મ સામે કે.કે.સિંહે સિવિલ કેસ કર્યો હતો. પરંતુ, ન્યાયમૂર્તિ સંજીવ નરુલાએ અરજીને નકારી કાઢતો આજે ચુકાદો આપ્યો છે. સુશાંતસિંહ 2020ની 14 જૂને મુંબઈના બાન્દ્રા વેસ્ટ સ્થિત એના ઘરમાં મૃત મળી આવ્યો હતો. એનું મૃત્યુ વિવાદાસ્પદ છે, કારણ કે એણે આત્મહત્યા કરી હતી કે નહીં તે હજી સુધી સાબિત થયું નથી.

કે.કે.સિંહે એમની અરજીમાં કહ્યું હતું કે આ ફિલ્મ જો સદ્દગત અભિનેતાનાં અંગત જીવનને કોઈ પણ રીતે પ્રદર્શિત કરશે તો એ  અંગત જીવનને ગોપ્ય રાખવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું ગણાશે. આ અધિકારમાં પબ્લિસિટીનો અધિકાર પણ સમાયેલો છે. સુશાંતનાં કાયદેસર વારસદારની મંજૂરી વિના તેના જીવન પરની ફિલ્મને રિલીઝ કરવી ન જોઈએ.