સંજય દત્તની નવી તસવીરથી પ્રશંસકો એમના આરોગ્ય વિશે ચિંતિત

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્તની એક નવી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે અને એ જોયા પછી એમના પ્રશંસકોએ એમના આરોગ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે.

જે તસવીર વાઈરલ થઈ છે એમાં સંજય ઘણા નબળા પડી ગયેલા દેખાય છે. તસવીરમાં એમની સાથે કોઈક પ્રશંસક છે.

આ તસવીર જોયા બાદ સોશિયલ મિડિયા પર યૂઝર્સે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ના સ્ટારને જલદી સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

એક યૂઝરે લખ્યું છે, ‘સંજુબાબા બહુ નબળા દેખાય છે. આશા રાખીએ કે એ જલદી સાજા થઈ જાય.’

એક અન્ય યૂઝરે લખ્યું છે, ‘એમને જલદી સારું થઈ જાય એવી આશા રાખીએ.’

સંજયની તબિયત હાલ સારી નથી. ગઈ 11 ઓગસ્ટે એમણે જાહેરાત કરી હતી કે પોતે મેડિકલ સારવાર લેવા માટે કામકાજમાંથી બ્રેક લઈ રહ્યા છે.

61 વર્ષીય સંજયે કે એમના પરિવારજનોએ હજી સુધી કંઈ પણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પરંતુ ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈનસાઈડર કહેવાતા કોમલ નાહટાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે સંજયને ફેફસાંનું કેન્સર છે.