મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના માતબર કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા કમલેશ મોતાનું આજે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે અવસાન થયું હતું. એમની વય 55 વર્ષની હતી. હજી ગયા જ મહિને એમણે એમનો જન્મદિવસ ઉજવ્યો હતો. કમલેશભાઈ ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર, ચોપાટી (મુંબઈ) સંસ્થાના ડાયરેક્ટર (પર્ફોર્મિંગ) પણ હતા.
એમના પરિવારમાં પત્ની અપરામી, પુત્ર ધ્રુવ અને પુત્રી શાર્વી છે.
બે દિવસ પહેલાં કમલેશભાઈને સખત તાવ ચઢ્યો હતો અને ચર્ની રોડની સૈફી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એમનો કોરોના વાઈરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગઈ કાલે મોડી રાતે એમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને એમણે પત્ની અપરામીને ફોન કર્યો હતો. પરિવારજનો વહેલી સવારે 3 વાગ્યે હોસ્પિટલે પહોંચ્યાં હતાં, પણ એમને આઈસીયૂમાં દાખલ થવા દેવામાં આવ્યા નહોતા. લગભગ સવારના 4-4.15 વાગ્યે એમને જાણ કરવામાં આવી હતી કે કમલેશભાઈનું નિધન થયું છે.
તે કોવિડ હોસ્પિટલ હોવાથી કમલેશભાઈના પાર્થિવ શરીરને ત્યાંથી સીધા ચંદનવાડી સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને સવારે 7-7.30 વાગ્યે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. એ વખતે ત્યાં માત્ર ઘરનાં જ સભ્યો હાજર હતાં.
ધ્રુવ મોતાએ ખાસ વિનંતી કરી છે કે દિલસોજી વ્યક્ત કરવા કોઈએ એમનાં ઘેર આવવું નહીં, કારણ કે કોરોના વાઈરસ નિયંત્રણોને કારણે એમની સોસાયટીમાં પ્રવેશ અપાશે નહીં. ફોન પણ ન કરવાની એમણે સૌને વિનંતી કરી છે. માત્ર ફોન પર વોટ્સએપ સંદેશા જ આપવા કહ્યું છે.
કમલેશ મોતાનાં હિટ નાટકો
કમલેશ મોતા 1984ની સાલથી રંગભૂમિમાં દિગ્દર્શનની કામગીરી સંભાળતા હતા. એમણે ‘સરસ્વતીચંદ્ર’, ‘હમ ભી કુછ કમ નહીં’ જેવા નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું. એમના દિગ્દર્શનવાળા નાટકો છેઃ ‘પરિવાર’, ‘સંસાર’, ‘હમ નીલે ગગન કે પંછી’, ‘ઓળખાણ’, ‘રાધારાણી મુંબઈના શેઠાણી’ વગેરે.
એમનું ‘ધૂમ્મસ’ નાટક ખૂબ જ હિટ થયું હતું. એ રોમાંચક નાટકમાં અપહરણકારોના હાથમાંથી પોતાની પુત્રીને છોડાવવા મથામણ કરતા ડોક્ટરની વાર્તા હતી.
કમલેશ મોતા જ્યારે માત્ર 12 વર્ષના હતા ત્યારે એમણે પોતાનું પહેલું ગુજરાતી કમર્શિયલ નાટક પ્રોડ્યુસ કર્યું હતું. એનું નામ હતું ‘વંશ’, જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા રાજીવ અને પ્રિયા તેંડુલકરે ભૂમિકા કરી હતી. તે એક સત્યઘટના પર આધારિત હતું.
ત્યારબાદ એમણે ‘ખેલંદો’, ‘અમારી દુનિયા તમારી દુનિયા’ નાટકો પણ બનાવ્યા હતા જે પણ દર્શકોને ખૂબ પસંદ પડ્યા હતા.
‘મુક્તિધામ’ નાટકમાં સ્મૃતિ ઈરાનીએ ભૂમિકા ભજવી હતી.
ભૂતપૂર્વ અભિનેત્રી, હાલનાં કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કમલેશ મોતાના નિધન અંગે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું છે અને એમના પરિવારજનોને સાંત્વન આપ્યું છે.
બીજા ટ્વીટમાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે ‘મને કમલેશભાઈ સાથે ‘મુક્તિધામ’ નાટકમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.’ આ સાથે એમણે કમલેશભાઈના એક ઈન્ટરવ્યૂનો વિડિયો શેર કર્યો છે જેમાં કમલેશભાઈએ ‘મુક્તિધામ’ નાટકનો ઉલ્લેખ કર્યો હતો.