કોલકાતાઃ મશહૂર બાંગ્લા અભિનેતા સૌમિત્ર ચેટરજીનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત સૌમિત્ર ચેટરજીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ રિસ્પોન્સ નહોતા કરી રહ્યા.
કોલકાતાના બેલે વ્યુ ક્લિનિકમાં તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ ગઈ કાલે કહ્યું હતું કે અમારા બધા પ્રયાસો છતાં તેમની ફિજિયોલોજિકલ સિસ્ટમ રિસ્પોન્ડ નથી કરી રહી અને ચેટરજીની હાલત પહેલાંથી વધુ બગડી હતી. તેમને દરેક પ્રકારના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને તેઓ જીવન માટે ઝઝૂમી રહ્યા હતા.
ચેટરજી કોરોના પોઝિટિવ
સૌમિત્ર ચેટરજી ઓક્ટોબરની શરૂઆતમાં જ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ગયા હતા, પાંચ ઓક્ટોબરે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિયત વધુ બગડતાં તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નહીં. આ પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રહેવા દરમિયાન તેમની ન્યુરોલોજિકલ સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ હતી. હોસ્પિટલે એક દિવસ પહેલાં બુલેટિન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે સિટી સ્કેન કર્યું છે જેથી જાણી શકાય કે ક્યાંક કોઇ સમસ્યા તો નથી. અમે એક ઇઇજી કર્યું હતું, હવે તે વૈકલ્પિક ડાયાલિસીસ પર છે. ચેટરજીએ સત્યજિત રોયની ચર્ચિત ફિલ્મ ‘અપુર સંસાર’થી કેરિયરની શરૂઆત કરી હતી.