‘ફેક ફોલોઅર્સ’ પ્રકરણઃ પોલીસ કદાચ દીપિકા, પ્રિયંકાની પૂછપરછ કરે

મુંબઈઃ સોશિયલ મિડિયા પર નકલી ફોલોઅર્સનું એક વિચિત્ર કૌભાંડ બહાર આવ્યું છે. મુંબઈ પોલીસ આ સંબંધમાં બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ – દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા-જોનસની પૂછપરછ કરે એવી ધારણા છે.

મુંબઈ પોલીસ પેઈડ અને ફેક ફોલોઅર્સના કેસમાં તપાસ કરી રહી છે.

માત્ર દીપિકા અને પ્રિયંકા જ નહીં, પણ 176 હાઈ પ્રોફાઈલ એકાઉન્ટ્સના ધારકોની પણ પોલીસ પૂછપરછ કરે એવી ધારણા છે. આ એકાઉન્ટ ધારકોમાં બોલીવૂડ, સ્પોર્ટ્સ ક્ષેત્રની અનેક હસ્તીઓ તથા કેટલાક બિલ્ડરોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મિડિયા પર જેમનાં ફોલોઅર્સની સંખ્યા વધારે હોય એમનું મહત્ત્વ વધારે ગણાતું હોય છે. પરંતુ આ ફોલોઅર્સના આંકડા વધારવા માટે કાળાબજાર કરવામાં આવે છે એવું પોલીસના ધ્યાનમાં આવ્યું છે.

જે સેલિબ્રિટીના ફોલોઅર્સ વધારે હોય એની કિંમત ઊંચી હોય છે એવું ગણિત ડિજિટલ જગતમાં લોકપ્રિયતા માટે માંડવામાં આવે છે.

દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા-જોનસ સહિત 10 સેલિબ્રિટી વ્યક્તિનાં નામ સૌથી વધારે ફેક ફોલોઅર્સ ધરાવતી યાદીમાં સામેલ છે.

મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર વિનયકુમાર ચૌબેએ કહ્યું છે કે નકલી સોશિયલ મિડિયા ફોલોઅર્સના કૌભાંડમાં આશરે 54 કંપનીઓ સંડોવાઈ હોવાનું અમને જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને સાઈબર સેલના અધિકારીઓની એક સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે જે આ કેસની તપાસમાં મહત્ત્વની સહાયતા કરશે.

ભારતમાં ફેક સોશિયલ મિડિયા ફોલોઅર્સ કૌભાંડમાં આ પહેલી જ વાર પોલીસ તપાસ થઈ રહી છે.

અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટે ફેક સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ બનાવવાના સંબંધમાં અભિષેક દિનેશ દૌડે નામના એક શખ્સની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર, ફોલોઅર્સકાર્ટ.કોમ નામની એક આંતરરાષ્ટ્રીય સોશિયલ મિડિયા માર્કેટિંગ કંપની મુંબઈ પોલીસની નજરમાં છે. અભિષેક દૌડેએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે પોતે આ વિદેશી કંપની માટે કામ કરે છે.

ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પણ પોલીસમાં આ બાબતમાં ફરિયાદ નોંધાવી છે. પોતાનાં નામનું એક પ્રોફાઈલ જોયા બાદ એણે પોલીસનું ધ્યાન દોર્યું હતું. ભૂમિ ત્રિવેદીનું નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈક અજાણ્યાએ ક્રીએટ કર્યું છે જે દ્વારા એ અન્ય યૂઝર્સ સાથે ચેટ કરતો હતો.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 18 જણની પૂછપરછ કરી છે.

આ સેલિબ્રિટી વ્યક્તિઓએ કોઈ કંપનીની મદદ લઈને કે કોઈ અન્ય ખોટી રીત અપનાવીને એમનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર એમનાં ફોલોઅર્સના આંકડા ખોટી રીતે વધાર્યા તો નથીને એ વિશે પોલીસ એમની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે જે લોકોની પૂછપરછ કરી છે એમાં મોટા ભાગનાં ટીવી સિરિયલો કે ટીવી મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે, જેમ કે કલાકારો, નિર્માતા, દિગ્દર્શ, મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર અને સહાયક દિગ્દર્શક.