મુંબઈઃ અભિનેત્રી અને નિર્દેશિકા કંગના રણોતે તેની આગામી રાજકીય ઘટનાઓ પર આધારિત હિન્દી ફિલ્મ ‘ઈમર્જન્સી’ના એક અન્ય પાત્રની જાહેરાત કરી છે. ફિલ્મમાં સ્વ. સંજય ગાંધીનું પાત્ર ભજવશે મલયાલમ ફિલ્મોનો અભિનેતા વિશાક નાયર.
1975ની સાલમાં દેશમાં ઈમર્જન્સી (કટોકટી) લાદનાર એ વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનાં નાના પુત્ર સંજય ગાંધીનું 1980માં નવી દિલ્હીમાં સફદરજંગ એરપોર્ટ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.
કંગનાએ વિશાક નાયરના પાત્રનું પોસ્ટર આજે રિલીઝ કર્યું છે. વિશાકે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, સંજય ગાંધીનો રોલ કરવાનો પોતાને મોકો આપવામાં આવ્યો એ બદલ પોતે ખૂબ ખુશ છે. તેમજ કંગનાનાં નિર્દેશનની ‘ઈમર્જન્સી’ની ટીમનો હિસ્સો બનવા બદલ પોતે ગર્વની લાગણી મહેસુસ કરે છે.
‘ઈમર્જન્સી’ ફિલ્મ સદ્દગત વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનાં જીવન પર આધારિત છે. ઈન્દિરાનો રોલ કંગના પોતે ભજવી રહી છે. ફિલ્મમાં મિલિંદ સોમણ, અનુપમ ખેર, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.