મુંબઈ – ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં ઘણી છોકરીઓ અને મહિલાઓ એસિડ હુમલા જેવી ભયાનક ઘટનાઓનો શિકાર બની ચૂકી છે. ઘણીય સ્ત્રીઓનાં જાન ગયા છે તો ઘણી સ્ત્રીઓનું જીવન બરબાદ થઈ ગયું છે. આવા હુમલાનો ભોગ બન્યા બાદ એમાંથી જે મહિલાઓ બચી જવા પામી છે એમનું જીવન દયાજનક બની જાય છે. તે છતાં એવી ઘણી એસિડ હુમલાપીડિત સ્ત્રીઓ છે જેઓ કદરૂપા થઈ ગયેલા ચહેરા અને શરીર સાથે જીવી રહી છે.
એવી જ એક કમનસીબ છોકરી લક્ષ્મી અગ્રવાલનાં જીવન પરથી નિર્દેશિકા મેઘના ગુલઝારે હિન્દી ફિલ્મ બનાવી છે – ‘છપાક’. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં લક્ષ્મીનો રોલ અદા કર્યો છે દીપિકા પદુકોણે.
એસિડ હુમલાને કારણે કદરૂપા ચહેરા સાથે જો કોઈ છોકરી કે સ્ત્રી રસ્તા પર કે જાહેર સ્થળે દેખાય તો લોકોનાં ચહેરા પર જુદા જુદા પ્રકારના હાવભાવ જોવા મળે છે. કોઈકના પ્રત્યાઘાત આઘાતજનક હોય, તો કોઈકની નજરમાં સહાનુભૂતિ હોય તો કોઈક ઘૃણા બતાવે.
આવી કમનસીબ સ્ત્રીઓને જોઈને મુંબઈમાં લોકો કેવા પ્રત્યાઘાત બતાવે છે એ જોવા માટે દીપિકા પદુકોણે એક સામાજિક પ્રયોગ કર્યો હતો. એ છપાક ફિલ્મમાં જેનો રોલ કરી રહી છે એ માલતીના જ મેકઅપ સાથે સ્ટોર્સ અને બજારમાં નીકળી હતી. એની સાથે બીજી છોકરીઓ પણ હતી, જેઓ વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો ભોગ બની ચૂકી છે.
દીપિકા (માલતી) અને એની ટીમની સાથીઓ ગ્રાહકનાં સ્વાંગમાં મુંબઈમાં અમુક ખાસ સ્ટોર્સ અને ભીડવાળી બજારની મુલાકાતે ગઈ હતી. તેઓ જ્યાં ગઈ હતી એ સ્ટોર્સમાં તેની અગાઉ છૂપાં કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા તથા અમુક કેમેરા દીપિકા તથા તેની સાથીઓની બેગ્સમાં સંતાડવામાં આવ્યા હતા. જેથી અન્ય ગ્રાહકોનાં પ્રત્યાઘાત જાણી શકાય.
આ અજમાયશનો વિડિયો દીપિકાએ રિલીઝ કર્યો છે. જે ખરેખર જોવા જેવો છે.
પહેલાં દીપિકા તથા એની સાથીઓ એક સેલ ફોન સ્ટોરમાં જાય છે જ્યાં શોપકીપર એનું સ્વાગત કરે છે. ત્યાં તે એક મહિલાને એક સેલ્ફી લેવાની વિનંતી કરે છે જેને તે સ્ત્રી ખુશીથી લેવા દે છે. અમુક પુરુષો આ છોકરીઓ સામે જુએ છે, પરંતુ કોઈ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા નથી.
ત્યારબાદ છોકરીઓ એક કરિયાણા સ્ટોરમાં જાય છે જ્યાં અમુક લોકો છોકરીઓને મદદ કરવાની ચોખ્ખી ના પાડી દે છે અને એમની સામે ઘૃણાપૂર્વક જુએ પણ છે, ચહેરા પર ચીડનાં અમુક લોકો જોકે છોકરીઓ પ્રતિ સદ્દવ્યવહાર બતાવે છે અને સ્મિત પણ કરે છે.
એક જ્વેલરી સ્ટોરમાં, છોકરીઓ સાથે એક મહિલા હસીને વાત કરે છે, પરંતુ રોડ પરની માર્કેટમાં છોકરીઓને સાવ જુદો જ અનુભવ થયો હતો. ત્યાં એક મહિલા એસિડહુમલાને કારણે કદરૂપી દેખાતી છોકરીઓથી પોતાના પુત્રને સંતાડવાની કોશિશ કરતી જોવા મળી.
વિડિયોની આખરમાં, દીપિકા કહે છે, હું આખા દિવસ દરમિયાન એટલું શીખી કે ઘણું બધું તમારી આંખોની સામે જ હોય છે, પરંતુ તમે એને સમજી શકતા નથી. તમે તમારો દ્રષ્ટિકોણ બદલો એ મહત્ત્વનું છે.
‘છપાક’ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલનાં જીવનમાં બનેલી સત્યઘટના પર આધારિત છે. એ જ્યારે 15 વર્ષની હતી ત્યારે એની પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
(આ છે એ વિડિયો, જેમાં દીપિકા માલતી બનીને નીકળે છે…)